જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ

જૂનાગઢના રામવાડી-૧ સ્થિત મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય માહોલ : ૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગિરિનારી તીર્થ ક્ષેત્ર જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવનાથ સ્થિત રામવાડી – ૧ માં બિરાજમાન મોકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અવસરે શિવજીની વિશેષ પૂજા-અર્ચના અને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો.
૪૨ કિલોના દિવ્ય પારદ શિવલિંગના દર્શન અને ભવ્ય શણગાર:
મોકેશ્વર મહાદેવ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીં સ્થાપિત વિશાળ અને દિવ્ય ૪૨ કિલોગ્રામ વજનનું પારદ શિવલિંગ છે. શાસ્ત્રોમાં પારદ શિવલિંગના દર્શન અને પૂજનનું અનંત પુણ્ય અને વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના બીજા સોમવારે આ દિવ્ય પારદ શિવલિંગ તથા સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારે ફૂલો અને તોરણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
સન ૧૯૬૩ થી અવિરત ચાલતું નિશુલ્ક અન્નક્ષેત્ર:
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ, રામવાડી-૧ અંતર્ગત આસ્થા અને સેવાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં સન ૧૯૬૩ થી નિશુલ્ક અન્નક્ષેત્ર અવિરતપણે કાર્યરત છે, જ્યાં દર્શનાર્થીઓ અને સાધુ-સંતોને મહાપ્રસાદનો લાભ મળે છે.
ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ જતન અને સામાજિક સેવા:
સમર્થશ્રી પ્રાગદાસબાપા ગોદડિયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ રામવાડી-૧ ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય ઉત્તરદાયિત્વ પણ ઉત્સાહભેર નિભાવવામાં આવે છે. ડો. એન. પી. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તેમજ ગાંધીનગર ખાતે ‘નેચર ફર્સ્ટ’ નામે પ્લાસ્ટિક મુક્તિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાન દ્વારા નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિના જતનની મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે.
વધુમાં, ટ્રસ્ટના સ્વયંસેવકો છેલ્લા ૭ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે મંદિરની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટની અવિરત સેવા આપી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાની સાથે સમાજમાં એકતા, સેવાભાવ અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.



