સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ સ્પર્ધામાં ૧,૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ સ્પર્ધામાં ૧,૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

જૂનાગઢ ક્રીડા ભારતી દ્વારા હોકીના જાદુગર અને મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી નિમિત્તે તા. ૨૩/૦૮/૨૦૨૬ થી તા. ૨૯/૦૮/૨૦૨૬ દરમિયાન “રાષ્ટ્રીય રમત દિવસ ખેલકુદ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા. ૨૫/૦૮/૨૦૨૬ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ, જુનાગઢ ખાતે શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સ ભાઈઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી વિજેતા થયેલા ૧,૫૦૦થી વધુ ખેલાડી ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં ખેલાડીઓની ઉપસ્થિતિથી સમગ્ર સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રમતગમતના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રી યોગેશ ચૌધરી, વિભાગીય નિયામકશ્રી વી.એસ. ડાંગર સાહેબ, શ્રી નીલેશભાઈ સોનારા, સદસ્યશ્રી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ડો. વિશાલભાઈ જોશી, સદસ્યશ્રી ગુજરાત સાહિત્ય સમિતિ, શ્રી અશોકભાઈ ગાંધી, મહામંત્રીશ્રી સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી, ડો. પ્રકાશભાઈ હાથ, ક્રીડા ભારતી જૂનાગઢ તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મનીષકુમાર જીલડીયા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રી યોગેશ ચૌધરીએ ખેલાડીઓને પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “રમતથી મોટું કોઈ એજ્યુકેશન નથી.” રમતગમત વ્યક્તિને માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. મેદાન પર મળતી જીત અને હાર બંનેમાંથી જીવનમાં આગળ વધવાની શીખ મળે છે. અને પોતાની રમત પ્રતિભાને સતત મહેનત દ્વારા નિખારવી જોઈએ. તેમણે મોટી સંખ્યામાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આજના ખેલાડીઓ આવતીકાલના રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિનિધિ બની શકે છે. ખેલાડીઓએ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાના પરિવાર, શાળા અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરવું જોઈએ. સમગ્ર કાર્યક્રમનું જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મનીષકુમાર જીલડીયા તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની ટીમ દ્વારા સુવ્યવસ્થિત સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓના સફળ આયોજનમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની ટીમ, રમતગમતના કોચ, વ્યાયામ મંડળ તથા વિવિધ શાળા-સંસ્થાઓના સહયોગથી જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે આયોજિત આ ખેલકુદ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોને રમતગમત સાથે જોડવા, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા તથા મેજર ધ્યાનચંદજીના જીવન અને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાનથી નવી પેઢીને પ્રેરણા આપવાનો છે. જે મનીષકુમાર જીલડીયા જિલ્લા રમત ગમત અધિકારી ,જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





