ડોક્ટર્સ ડે નિમિત્તે કેશોદમાં ડોક્ટરોનું સન્માન, ન્યુ એરા પ્રોફેસર એકેડેમીના વિદ્યાર્થીઓએ શુભેચ્છા કાર્ડ અને પુષ્પ અર્પણ કરી વ્યક્ત કર્યો આભાર, ડોક્ટરોએ પણ બાળકોને થેન્ક્સ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા
ડોક્ટર્સ ડે નિમિત્તે કેશોદમાં ડોક્ટરોનું સન્માન, ન્યુ એરા પ્રોફેસર એકેડેમીના વિદ્યાર્થીઓએ શુભેચ્છા કાર્ડ અને પુષ્પ અર્પણ કરી વ્યક્ત કર્યો આભાર, ડોક્ટરોએ પણ બાળકોને થેન્ક્સ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા

દર વર્ષે 1 જુલાઈએ સમગ્ર ભારતમાં ‘નેશનલ ડોક્ટર્સ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મહાન ચિકિત્સક તથા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ની જન્મજયંતિ અને પુણ્યતિથિના અવસરે આ દિવસ ઉજવવામાં આવે છે. સમાજના આરોગ્યની સુરક્ષા માટે દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપતા તમામ ડોક્ટરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિવસ વિશેષ અવસર માનવામાં આવે છે. આ નિમિત્તે કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે કેશોદ સિવિલ હોસ્પિટલ સહિત શહેરની વિવિધ હોસ્પિટલોની મુલાકાત લઈ ડોક્ટરોને શુભેચ્છા કાર્ડ તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમની નિઃસ્વાર્થ માનવસેવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓના આ સ્નેહસભર અભિવાદનથી ડોક્ટરો ભાવવિભોર બન્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, સ્વચ્છતા જાળવવા અને માનવસેવાના મૂલ્યો જીવનમાં અપનાવવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત ડોક્ટરો દ્વારા બાળકોને થેન્ક્સ ગિફ્ટ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ડોક્ટર વ્યવસાય પ્રત્યે આદર અને સેવા ભાવનાનો સંદેશ પ્રસરી ગયો હતો. શાળા પરિવાર દ્વારા આયોજિત આ પહેલને ડોક્ટરો તથા ઉપસ્થિત લોકોએ સરાહનીય ગણાવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





