JUNAGADHKESHOD

કેશોદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સમર કેમ્પ: બાળકો માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર

કેશોદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સમર કેમ્પ: બાળકો માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર

મોબાઈલ-ટીવી ભૂલી બાળકો યોગમય બન્યા: કેશોદના સમર કેમ્પમાં ૧૨૫થી વધુ બાળકો ઉત્સાહભેર જોડાયા
જૂનાગઢ,તા.૨૧ કેશોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ ફોન, ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં વધુ સમય પસાર કરતા થયા છે, ત્યારે તેમને આ પ્રવૃત્તિઓમાંથી બહાર લાવી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સમર કેમ્પના આયોજન સાથે જોડાયેલા વૃંદા ભાલોડિયાએ જણાવ્યું હતું કે, કેમ્પમાં હાલમાં આશરે ૧૨૫ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ૧૫ દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. યોગ દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તેમજ તેઓમાં એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.કેમ્પ દરમિયાન માત્ર યોગ જ નહીં પરંતુ બાળકોમાં ટીમ સ્પિરિટ અને સકારાત્મકતા વિકસે તે માટે વિવિધ ગેમ્સ અને મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે. ઉપરાંત બાળકોને જીવનમાં પ્રેરણા મળે અને તેઓ સારા સંસ્કારો તરફ આગળ વધે તે માટે અલગ અલગ ક્ષેત્રના સ્પીકરોને આમંત્રિત કરી મોટિવેશનલ સત્રો યોજવામાં આવે છે.વૃંદા ભાલોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેમ્પને વાલીઓનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકોમાં જોવા મળતા સકારાત્મક બદલાવને કારણે વાલીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે દાતાશ્રીઓનો પણ ઉત્તમ સહયોગ મળી રહ્યો છે. દાતાશ્રીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહનરૂપે વિવિધ ગિફ્ટો અને ઇનામો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે બાળકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ પ્રયાસને કારણે બાળકોમાં યોગ, આરોગ્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાઈ રહી છે અને ઉનાળાની રજાઓ દરમિયાન બાળકો સમયનો સદુપયોગ કરી રહ્યા છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

Back to top button
error: Content is protected !!