Rajkot: ‘‘ચાલો, નિભાવીએ આપણી જવાબદારી, કરીએ જનગણનામાં સક્રિય ભાગીદારી’’ ડિજિટલ પોર્ટલ પર સ્વ-ગણના કરતાં રાજકોટના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શિતાબેન શાહ

તા.૨૦/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વિકસિત ભારતના સંકલ્પ માટે આપણે જનગણના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી જોડાઈએ: ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શિતાબેન
Rajkot: રાજકોટ પશ્ચિમનાં ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શિતાબેન શાહે ડિજિટલ પોર્ટલના માધ્યમથી પોતાની સ્વ-ગણના (સેલ્ફ-એન્યુમરેશન)ની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સાથે તેમણે તમામ નાગરિકોને પણ વસ્તીગણતરી કાર્યક્રમમાં સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો છે.

ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં અત્યારે જનગણના કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે અત્યારે પ્રથમ તબક્કો એટલે કે ‘સ્વ-ગણના’ પ્રક્રિયા ૩૧ મે સુધી ચાલુ છે. જેમાં મોબાઈલના માધ્યમથી આપ પોતે આપની પોતાની સ્વગણના એટલે કે જનગણતરી કરાવી શકો છો. આ પ્રક્રિયાના અંતે ૧૧ અંકનો કોડ મળશે. પહેલી જૂનથી ઘરે-ઘરે જનગણના ચાલુ થશે ત્યારે ગણતરી કરવા ઘરે આવનારા અધિકારીને એ કોડ આપવાનો રહેશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા ઝડપી અને ખૂબ સરળતાથી થઈ શકે છે. જનગણના રાષ્ટ્રહિતનું કાર્ય છે, આપણી નૈતિક ફરજ છે. આપણા રાષ્ટ્રના ભવિષ્ય માટે, વિકસિત ભારતના સંકલ્પ માટે આપણે જનગણના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી જોડાઈએ અને વધુને વધુ લોકોને સ્વ-ગણના માટે પ્રોત્સાહિત કરીએ, એવી સર્વને અપીલ કરું છું.

ઉલ્લેખનીય છે કે, વસ્તીગણતરી અંતર્ગત નાગરિકો se.census.gov.in પર સ્વ-ગણના કરી શકશે. જેમાં નામ, મોબાઈલ નંબર, ઓ.ટી.પી. દાખલ કરીને પોતાના ઘરની સ્થિતિ, ઘરની છત, ભોંયતળિયું, ટોયલેટ, પાણી તેમજ વિવિધ મિલકતો (બાઈક, સાયકલ) વગેરેની વિગતો ભરવાની રહે છે. આ વિગતો ભર્યા પછી અંગ્રેજી અક્ષર ‘H’થી શરૂ થતો ૧૧ અંકોનો એક કોડ (SE ID) મળશે. આ કોડ ઘરની મુલાકાત દરમિયાન ગણતરીદારને આપવાનો રહેશે.




