GIR SOMNATHJUNAGADHJUNAGADH CITY / TALUKO

અમરાપુરની આજુબાજુના ૧૦ જેટલા ગામોને મળે છે ગ્રાહક સેવા કેન્દ્રનો લાભ.

બેંકમાં એકાઉન્ટ ખોલાવવા, પૈસા ઉપાડ – જમા,ઈન્સયોરન્સ ,કેવાયસી સહિતની લોકોને મળી રહી છે સુવિધા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી.

જૂનાગઢ,તા-05 એપ્રિલ : આકાશમાં ઉડવાની ઝંખના હોય અને કોઈની સહાય મળી રહે તો કોઈ લક્ષ્ય નાનું રહેતુ નથી. આ વાતને માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામના દિપ્તીબેન ખાણીયાએ સાબિત કરી છે. એક સમયે ખેત મજૂરી કરતા દિપ્તીબહેન પોતાનામાં રહેલી આવડતના આધારે પોતાના સપના સાકાર કરવાની ઈચ્છા હતી. દિપ્તીબહેનના સપનાને સાકાર કરવાનું માધ્યમ સરકારની સહાયથી જૂનાગઢ ખાતે કાર્યરત રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટસ (RSETI) બન્યું છે.માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે રહેતા દિપ્તીબેન ખાણીયા છેલ્લા ત્રણ વર્ષથી ગ્રાહક સેવા કેન્દ્ર શરૂ કર્યું છે અને મહિને ૨૦ થી ૨૫ હજાર રૂપિયા કમાઈ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના અમરાપુર ગામે રહેતા દિપ્તીબેન એક સમયે અભ્યાસક્રમની સાથે સાથે બેંક ઓફ બરોડામાં બેંક સખી તરીકે કામ કરતા હતા. આ સાથે જ તેઓ ખેત મજૂરી પણ કરતા હતા.આ દરમિયાન તેમણે જૂનાગઢ એબીઆઈઆરસેટી ખાતે બીઝનેસ કોરીસ્પોન્ડન્સ (બીસી સખી) અને બેંક સખીની તાલીમ લીધી હતી. છ દિવસની આ તાલીમ અને ત્યારબાદ પરીક્ષા પાસ કર્યા પછી તેમને બેંક ઓફ બરોડામાં બેંક સખી તરીકે કામ કરવા માટેનો કોડ મળ્યા બાદ એનઆરએલએમના માધ્યમથી ૭૦ હજારની વગર વ્યાજની લોન મળી હતી. જેમાથી તેમને લેપટોપ, પ્રિન્ટર વગેરે વસાવ્યા હતા.દિપ્તીબેને જણાવ્યું હતું કે, અમારા ગામમાં બેંકની સામે ગ્રાહક સેવા કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી શરૂ કર્યું છે. શરૂઆતમાં મારે મહિને ત્રણ હજાર રૂપિયા જેટલી કમીશનથી આવક થતી હતી. પરંતુ ધીમે ધીમે કામગીરીમાં વધારો થયો છે આજે હું મહિને ૨૦ થી ૨૫ હજાર રૂપિયા કમાઉ છું. અહીં ગ્રાહક સુવિધા કેન્દ્રમાં દીપ્તિબેન બેન્ક એકાઉન્ટ ખોલવા, ઇન્સ્યોરન્સ, એફડી, જનધન ખાતા, આધાર સીડીંગ, કેવાયસી, આધારમાં મોબાઈલ નંબર લીંક, હોમ લોન, ઓટો લોન, પાક ધિરાણને લગતી, તેમજ બેંકની અન્ય કામગીરી, ઓનલાઇન ફોર્મ ભરવા સહિતની કામગીરી કરી રહ્યા છે. જેનો અમરાપુર ઉપરાંત ૧૦ ગામના લોકો પણ આ સેવાનો લાભ લઈ રહ્યા છે.હાલ દિપ્તીબેન બેંકમાં બેંકસખી તરીકે પણ કામ કરી રહયા છે.સાથે જ ગ્રામ્ય ક્ષેત્રની મહિલાઓને સરકારની વિધવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરી રહયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટસ (RSETI) એ જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRDના સહયોગથી સ્થાપિત વિશિષ્ટ સંસ્થા છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય ગ્રામીણ યુવાનોને સ્વરોજગાર બનવા અને રોજગારી શોધવામાં મદદરૂપ બનવા કૌશલ્ય વિકાસ અને તાલીમ આપવાનો છે. RSETIનો ધ્યેય ગ્રામીણ વસ્તી માટે આજીવિકાના વિકલ્પોને વધારવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.બેંક (બીસી) સખી યોજના મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારી માટે શરૂ કરાયેલી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે, મહિલાઓને નાણાંકીય સેવાઓ અને બેંકિંગ સેવા પ્રદાન કરાવવી. આ યોજનાની અંદર બેંક સખી એ વ્યક્તિ બને છે, જે નાણાંકીય સેવાઓ આપવામાં મદદ કરે છે.

Back to top button
error: Content is protected !!