GUJARATKUTCHMANDAVI

માંડવી તાલુકાના ખેડૂત કલ્યાણભાઇ ગજપરીયા પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ મેળવી રહ્યા છે ગુણવત્તાયુક્ત ઉત્પાદન.

જીવામૃતથી સુક્ષ્મતત્વો અને મિત્ર કીટકોનું પ્રમાણ વધવાથી જમીનની ફળદ્રુપતામાં થયો સુધારો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી, તા-24 એપ્રિલ : પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે. પાકની વૃધ્ધિ માટે જરૂરી ખેત સામગ્રી બહારથી ન લેતા, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવામાં આવે છે. આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રસાયાણિક ખેતીથી થતાં ખર્ચાઓની સામે પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં કચ્છના ખેડૂતો પણ ધીમેધીમે આ પ્રાકૃતિક ખેતી થકી થતાં લાભ ઉઠાવી રહ્યા છે. જેમાં કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામના રહેવાસી ખેડૂત કલ્યાણભાઇ વિશ્રામભાઈ ગજપરીયા છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે જાણીયે તેમની પાસેથી…           ખેડૂત કલ્યાણભાઇ વિશ્રામભાઈ ગજપરીયા જણાવે છે કે, પહેલા તેઓ પરંપરાગત રીતે ચીલાચાલુ ખેતી કરતા હતા. જેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા. તેથી ખેતીમાં ખર્ચનું પ્રમાણ વધી જતું હતું. જેથી આવક કરતા ખર્ચ વધી જતો જેની સામે પૂરતા ભાવ મળતા ન હતા. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સુક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઇ જતું જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું હતુ.ત્યારે કચ્છમાં સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા અભિયાન દ્વારા આત્મા યોજના થકી પ્રાકૃતિક ખેતી વિષયક સાત દિવસની તાલીમ યોજવામાં આવી હતી તેમાં ભાગ લીધા પછી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળી હતી તથા શ્રી વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ (વીઆરટીઆઇ)–માંડવી ખાતે યોજાયેલ તાલીમમાં ભાગ લીધા બાદ આજે અમે પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છીએ. જેના થકી મારા કૃષિ ઉત્પાદન અને આવકમાં વધારો થયો છે. હાલ ખેડૂતો યુટ્યુબ અને ટીવીના માધ્યમ દ્વારા પણ જરૂરી તાલીમ તથા માર્ગદર્શન મેળવી શકે છે.પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, તેઓ વર્ષ ૨૦૧૭માં પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. તેમની કુલ જમીન ૧૬ એકર છે જેમાંથી ૫ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતીથી ખારેકનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કરી ખેતીમાં બચત સાથે સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ ગાયનું ગૌમૂત્ર અને ગોબરથી બનાવામાં આવતા જીવામૃતનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં બધી જ વસ્તુ જેમાં જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક વગેરે જાતે બનાવી શકાય છે. જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી. તેથી રાસાયણિક ખેતી સામે ખર્ચાઓમાં ઘટાડો થયો છે. જીવામૃતના ઉપયોગથી જમીનમાં સુક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે. જેથી અલગથી જૈવિક ખાતરના વપરાશની જરૂર પડતી નથી. પ્રાકૃતિક પદ્ધતિથી તેમની જમીનની તથા પાણીની ગુણવતા સુધરી છે. પાકને વધુ પિયતની જરૂર રહેતી નથી. પાકની ગુણવત્તામાં પણ ખાસ્સો સુધારો થયો છે. પ્રાક઼ૃતિક ખેતી થકી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ફળની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. સુક્ષ્મતત્વો તથા મિત્ર કીટકોનું પ્રમાણ વધ્યું છે જેથી સારુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે.અન્ય ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, તેમ ખેડૂતશ્રી કલ્યાણભાઈએ અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!