વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ભૌતિક સુવિધાઓ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકારનો અભિગમ સ્પષ્ટ કરતા વાલીઓને વિશેષ જાગૃતિ દાખવવાનો અનુરોધ કરતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ
સો ટકા નામાંકન અને ઝીરો ટકા ડ્રોપ આઉટના પરિણામને સિધ્ધ કરવા માટેના અતિ મહત્વાકાંક્ષી કાર્યક્રમ એવા ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ના બીજા દિવસે, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં કોયલિપાડા ગામે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ૩૯ જેટલા નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
બાલ વાટિકામાં ૧૩ અને ધોરણ-૧ માં ૨૬ બાળકોનું નામાંકન કરાવતા શ્રી વિજયભાઈ પટેલે, વાલી સમિતિના સભ્યો, ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ, અને બાળકો સમક્ષ, રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ઉદેશ સ્પસ્ટ કરી વાલીઓની જાગૃતિ, શિક્ષિત ભાવિ પેઢી માટે ખૂબ જ જરૂરી છે તેમ કહ્યું હતું.
કોયલિપાડાના ગ્રામજનો માટે ખૂબ ખુશીનો દિવસ છે. ભવ્ય ભૌતિક સુવિધા પ્રાપ્ત થતા, કમ સે કમ બે જેટલી ભાવિ પેઢીઓ અહીથી શિક્ષણ અને સંસ્કાર મેળવશે, તેમ જણાવતા શ્રી વિજયભાઈ પટેલે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીના માંગેલા વચનની પૂર્તિ આપણે સૌ કરી રહ્યા છે, તેમ જણાવ્યું હતું. સમાજને શિક્ષિત બનવાનું આહવાન ડો..બાબા સાહેબે પણ કર્યું છે ત્યારે, ડાંગ જેવા કહેવાતા છેવાડાના જિલ્લામાં સુધરેલા શિક્ષણના સ્તરને ઉલ્લેખ કરી નાયબ મુખ્ય દંડકશ્રીએ, એક વાલી ધરાવતા બાળકો માટેની ‘પાલક માતા પિતા યોજના’ નો ગામના જરૂિયાતમંદોને લાભ મળે તેવા માનવતાવાદી પ્રયાસો કરવાની પણ અપીલ કરી હતી.
ભૂતકાળની શિક્ષણની સ્થિતિનો ચિતાર રજૂ કરતાં શ્રી પટેલે બદલાયેલી પરિસ્થિતિનો લાભ લઈ, રાજ્ય સરકારની ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતિ’ જેવી યોજનાઓની પણ સમજૂતી આપી હતી. શિક્ષણની સહિત દરેક ક્ષેત્રે ખૂટતી કડી માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા નાયબ મુખ્ય દાંડક્ષ્રીએ કોયલિપાડા ગામના માર્ગ અને પુલોના પ્રશ્ન સહિતના કામો આગામી દિવસોમાં શરૂ કરાશે, તેમ પણ કહ્યું હતું.
ચિકાર સી.આર.સી. હસ્તકની કોયલિપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ૫૪ કુમાર, અને ૮૫ કન્યા મળી કુલ ૨૩૯ બાળકો માટે કોયલિપાડા પ્રાથમિક શાળાના કુલ રૂ.૨.૪૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, રાજ્ય સરકાર શૈક્ષણિક સુવિધાઑ માટે જરૂરી તમામ મદદ કરી રહી છે ત્યારે, શિક્ષકો અને વાલીઓ વિશેષ જાગૃતિ સાથે શિક્ષિત અને સંસ્કારી ભાવિ પેઢીના નિર્માણ માટે વિશેષ તકેદારી દાખવે તે આવશ્યક છે, તેમ જણાવ્યુ હતું.
કોયલિપાડા ગામના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સ્થાનિક વાલી સમિતિના સભ્યો, પદાધિકારીઓ, કાર્યકરો, સેવાભાવી નાગરિકો, શાળાના બાળકો, નવા પ્રવેશ પામતા બાળકો વિગેરે ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શાળાના આચાર્ય શ્રી હિતેન્દ્રભાઈ એ શાળાના ભૌતિક અને શૈક્ષણિક વિકાસની રૂપરેખા રજૂ કરી હતી.
દરમિયાન બાળકોએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી વિજ્ઞાન અને ટેકનૉલોજી, પર્યાવરણ જેવા વિષયે તેમના વિચારો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. ઉપસ્થિત ગ્રામજનોને માહિતી ખાતા દ્વારા રાજ્ય સરકારની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓની પુસ્તિકાનું વિતરણ પણ કરાયું હતું.