
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.14 જુલાઈ : કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં નિર્મળસિંહ જગુભા જાડેજા (સિનિયર ક્લાર્ક, તા. પં. કચેરી, મુન્દ્રા) પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે દક્ષાબા ભરતસિંહ જાડેજા (નાયબ ચીટનીશ, વિકાસ શાખા,ભુજ), મંત્રી અરજણભાઈ ભચાભાઈ આહિર (સિનિયર ક્લાર્ક, સહકાર શાખા, ભુજ), સહમંત્રી હરપાલસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (સિનિયર ક્લાર્ક, બાંધકામ શાખા, ભુજ), કાર્યાલય મંત્રી કાંતિલાલ ખીમકરણ ગઢવી (ક્લાર્ક, સિંચાઈ પેટા વિભાગ, ભુજ), સંગઠનમંત્રી અંકિત એન. ઠક્કર (આંકડા મદદનીશ, ભુજ), નયનાબા ઝાલા ( મુખ્ય સેવિકા, ભુજ), મીનાક્ષીબેન જે. ગોર (મુખ્ય સેવિકા, મંગવાણા- નખત્રાણા), ખજાનચી યુવરાજસિંહ આર. લીંબડ (સિનિયર ક્લાર્ક, હિસાબી શાખા, ભુજ), કન્વીનર મનીષકુમાર બાબુલાલ મકવાણા (સિનિયર ક્લાર્ક, પશુપાલન શાખા, ભુજ) તથા ઓડિટર તરીકે નીલકંઠભારથી મગનભારથી ગોસ્વામી (વિસ્તરણ અધિકારી, તા. પં. કચેરી, મુન્દ્રા) પણ બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણી અધિકારી તરીકે આર. સી. સોનીએ સેવા આપી હતી.
નવનિયુક્ત પ્રમુખ નિર્મળસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા પંચાયત ત્રીજા વર્ગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કર્મચારીઓના સાથ-સહકારથી મંડળને વધુ મજબૂત અને સંગઠિત બનાવવામાં આવશે. તેમણે યુવા ટીમ દ્વારા કર્મચારીલક્ષી કાર્યો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આરોગ્ય સુપરવાઇઝર પ્રકાશ ઠક્કર સાથેની ખાસ મુલાકાતમાં શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં બંધારણનો અભ્યાસ કરીને ત્રીજા વર્ગના આરોગ્ય, શિક્ષણ તથા અન્ય વિભાગોના કર્મચારીઓને પણ આ મંડળમાં સામેલ કરીને એક વિશાળ અને એકતાબદ્ધ મંડળની રચના કરવામાં આવશે, જે સમગ્ર કચ્છ જિલ્લાના કર્મચારીઓના હિત માટે કાર્ય કરશે.
પ્રમુખ શ્રી જાડેજાએ કચ્છની ભૌગોલિક અને સામાજિક વિશિષ્ટતાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, કચ્છ એશિયાનો સૌથી મોટો અને વિશાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જે દુર્ગમ અને સરહદી વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં વાહનવ્યવહાર ખર્ચાળ અને સમયનો વ્યય વધુ થાય છે. ઉપરાંત, સ્થાનિક કચ્છી ભાષા અને પ્રાદેશિક રહેણીકરણીની આગવી ઓળખ પણ અન્ય જિલ્લાઓથી જુદી પડે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને કચ્છના ત્રીજા વર્ગના કર્મચારીઓને વિશેષ ભથ્થું (Special Allowance) આપવા માટે રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય દિશામાં માંગણી કરવામાં આવશે.
શ્રી જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “કચ્છના કર્મચારીઓને એક અલગ ઓળખ અપાવવી જરૂરી છે. દૂરદરાજના ગામડાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ભથ્થું કે અન્ય સવલતો પણ જરૂરી છે. મંડળ દ્વારા સરકાર સુધી આ માંગ પહોંચે અને મંજૂર થાય એ અમારું આગામી મિશન રહેશે.”આ અવસરે નવા હોદ્દેદારો અને મંડળના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી સહયોગનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.





