
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણકાર્યથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૩ હજારથી વધારે લોકોને મળી રહી છે રોજગારી.
રિન્યુએબલ એનર્જી પાર્કના કાર્યાન્વિત થવાથી ૩૭ ગીગાવોટ વીજ ઉત્પાદન સાથે ભારત ઊર્જા ક્ષેત્રે બનશે ‘આત્મનિર્ભર’
ભુજ,તા-૦૯ જાન્યુઆરી : કચ્છની ધરતીએ અનેક આફતોનો ખુમારીથી સામનો કરીને તેને અવસરમાં પલટી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગ્રીન એનર્જીનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે, આવનારો સમય ગ્રીન અને ક્લિન ઊર્જાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ હાઈબ્રિડ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. એક સમયે જે કચ્છના રણને ‘નિર્જન’ અને ‘બિનઉપજાઉ’ ગણવામાં આવતું હતું, તે આજે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું સરનામું બની ગયું છે. ભારત સરકારના ૨૦૭૦ સુધીમાં ‘નેટ ઝીરો’ ઉત્સર્જનના લક્ષ્યાંકની દિશામાં કચ્છનો રિન્યુએબલ પાર્ક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યો છે. કચ્છના ભુજ તાલુકાના સરહદી વિસ્તારમાં ૩૭ ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્ય સાથે ખાવડા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર સોલાર જ નહીં પણ વિન્ડ એનર્જીને એટલું જ પ્રાધાન્ય આ રિન્યુએબલ એનર્જી પાર્કમાં આપવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન ના વિઝનથી ગ્રીન ઉર્જાની દિશામાં કચ્છના રણમાં શરૂ થયું હતું આર.ઈ.પાર્કનું કાર્ય કચ્છમાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક પ્રોજેક્ટનો શિલાન્યાસ તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. શિલાન્યાસ સમયે આ પ્રોજેક્ટની સ્થાપિત ક્ષમતા ૩૦ ગીગાવોટ અંદાજવામાં આવી હતી, પરંતુ ટેક્નોલોજીના અપગ્રેડેશન અને સુનિયોજિત આયોજનને કારણે આજે આ ક્ષમતા વધીને ૩૭ ગીગાવોટ સુધી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી સરહદી વિસ્તારની સુરક્ષા સાથે દેશની ઊર્જા સુરક્ષાને પણ સાંકળવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. કચ્છના ખાવડા વિસ્તારમાં અંદાજે ૭૨,૬૦૦ હેક્ટર (લગભગ ૭૨૬ ચોરસ કિલોમીટર) જમીન પર આર.ઈ.પાર્કનું કામ હાલમાં ચાલી રહ્યું છે. કિલોમીટરના કિલોમીટર વિસ્તારમાં સોલાર પ્લેટને ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. રણકાંધીએ આવેલા આ વિસ્તારમાં પવનની ગતિ અને સૂર્યના કિરણોની તીવ્રતા બંને પૂરતા પ્રમાણમાં હોવાથી તેને ‘હાઇબ્રિડ’ એટલે કે સૌર અને પવન ઊર્જાના સમન્વય ધરાવતા પાર્ક તરીકે વિકસાવવામાં આવ્યો છે. કચ્છના અફાટ નિર્જન રણમાં લાખો સોલાર પેનલના ઈન્સ્ટોલેશનની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. કચ્છના આર.ઈ.પાર્ક પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે રૂ. ૧,૫૦,૦૦૦ કરોડ આંકવામાં આવ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટ ફક્ત કચ્છ કે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાંથી આવતા લોકો માટે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે રોજગારીનું કેન્દ્ર બન્યો છે. આર.ઈ.પાર્કના નિર્માણકાર્યના લીધે ૨૩,૦૦૦થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.ઊર્જા ઉત્પાદનની વાત કરીએ તો, અત્યાર સુધીમાં કુલ ૧૧.૩૩ ગીગાવોટ ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે. જેમાં સૌર ઊર્જાનો હિસ્સો ૯.૮૨ ગીગાવોટ છે, જ્યારે પવન ઊર્જાનો હિસ્સો ૧.૫૧ ગીગાવોટ નોંધાયો છે. ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં આ પાર્ક તેની પૂર્ણ ૩૭.૩૫ ગીગાવોટની ક્ષમતા સાથે કાર્યરત થાય તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે.દેશની સરહદી ક્ષેત્રની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે આર.ઈ.પાર્ક ખાવડા એનર્જી પાર્કની સૌથી મોટી અસર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર જોવા મળી રહી છે. અગાઉ આ સરહદી પટ્ટી પર માનવ વસ્તી નહિવત હતી, પરંતુ હવે હજારો કર્મચારીઓ અને એન્જિનિયરોની હાજરીને કારણે આ વિસ્તાર રણનીતિક રીતે જીવંત બન્યો છે. પ્રોજેક્ટ માટે આંતરિક રસ્તાઓ અને એર કનેક્ટિવિટીને કારણે સંસાધનોની અવરજવરમાં નોંધપાત્ર સુધારો થયો છે.રિન્યુએબલ એનર્જી પાર્ક જાહેર સાહસો અને ખાનગી ક્ષેત્રની સોલાર કંપનીઓના શ્રેષ્ઠ સમન્વયનું ઉદાહરણ છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) આ પ્રોજેક્ટમાં નોડલ એજન્સી તરીકે પાયાની સુવિધાઓ સંભાળી રહી છે. ભારત સરકારની મહારત્ન કંપની NTPC સક્રિય રીતે સોલાર ઊર્જા ઉત્પાદન માટે કામગીરી કરી રહી છે. અહીંથી ઉત્પન્ન થતી વીજળીને દેશના અનેક રાજ્યો સુધી પહોંચાડવા માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વિશેષ વીજ ટ્રાન્સમિશન નેટવર્ક ઉભું કર્યું છે. પાવરગ્રીડ કંપની આર.ઈ.પાર્કથી ઉત્પન્ન થતી વીજળીને નેશનલ ગ્રીડ સુધી પહોંચાડી રહી છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાનારી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ’માં ખાવડા પ્રોજેક્ટની સફળતાને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કારણે કચ્છના યુવાનો માટે ‘ક્લિન ટેક્નોલોજી’ ક્ષેત્રે નવા કૌશલ્ય વર્ધન અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે. કચ્છના રણની આ કાયાપલટ એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ તરફનું એક વિરાટ પગલું છે. આગામી તા.૧૧-૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં કચ્છ સહિત ગુજરાતની ગ્રીન ઉર્જા ક્ષમતાને પ્રદર્શિત કરાશે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પોર્ટ એન્ડ લોજિસ્ટિક તેમજ વિન્ડ એન્ડ સોલાર એનર્જીના ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરસ સૌરાષ્ટ્ર કચ્છ એ આ સંભાવનાઓને પારખીને ટકાઉ વિકાસની દિશામાં નવા રોકાણ અને રોજગારીનું પ્રબળ માધ્યમ બનશે.






