KUTCHMANDAVI

ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ પ્રેસ ડે’ નિમિત્તે ભુજ ખાતે સેમિનાર યોજાયો.

કચ્છના પત્રકારત્વના ઇતિહાસનું વ્યવસ્થિત સંકલન થવું જોઇએ - શ્રી કીર્તિભાઇ ખત્રી, વરિષ્ઠ પત્રકાર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

‘પત્રકારત્વની બદલાતી તાસીર’ થીમ હેઠળ કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કરાયા.

ચોક્સાઇને લક્ષ્યમાં રાખીને પત્રકારત્વની અખંડિતતા જાળવી રાખવી જોઇએ – શ્રી મિતેષ મોડાસિયા, સંયુક્ત માહિતી નિયામક, રાજકોટ.

ભુજ, શનિવાર : ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભુજ ખાતે મુખ્ય વક્તા અને કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી કીર્તિભાઇ ખત્રીના અધ્યક્ષસ્થાને તથા રાજકોટ – કચ્છ રિજિયનના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસિયાની વિશેષ ઉપસ્થિતિમાં ‘નેશનલ પ્રેસ ડે’ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા કીર્તિભાઇ ખત્રીએ કચ્છને એક વિશિષ્ટ પ્રદેશ ગણાવતા કચ્છમાં પત્રકારત્વનો કઇ રીતે વિકાસ થયો તેના પર પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત ‘પત્રકારત્વની બદલાતી તાસીર’ થીમ હેઠળ કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કરી કચ્છના પત્રકારજગતમાં તેમના ૩ દાયકાથી વધુના ખેડાણના અનુભવનું ભાથું તેમણે કચ્છભરમાંથી ઉપસ્થિતિ પત્રકારમિત્રો સાથે વાગોળ્યું હતું. તેમણે વર્ષ ૧૮૬૫માં કચ્છ દરબારી જાહેરખબરનું છાપકામ થતાં પત્રકારત્વના થયેલા આરંભથી લઇને પત્રકારત્વક્ષેત્રે યોગદાન આપનાર કચ્છના પાયારૂપ પત્રકારો દયારામ દેપાડા, શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા. રાજાશાહી સમયમાં કચ્છમાં પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કરનાર છગનલાલ ભવાનીશંકર મહેતા, ત્યારબાદ ફૂલશંકર પટ્ટણી અને પ્રાણલાલ શાહને યાદ કર્યા હતા.. કચ્છમાં આઝાદી બાદ પત્રકારત્વક્ષેત્રે વિવિધ અગ્રણી અખબારોના માધ્યમથી ગ્રામીણ પત્રકારત્વનો વિકાસ થયો હોવાનું જણાવીને તે સમયે ટાંચા સાધનો વચ્ચે, સતત દુષ્કાળ કે ભૂકંપ જેવી હોનારતોમાં કઇ રીતે પત્રકારત્વ લોકોને જનઉપયોગી બની રહ્યું તે વિશે તેમણે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. આકાશવાણીના પ્રારંભ તથા પ્રિન્ટ મીડિયાની કચ્છના વિકાસ તથા લોકઉપયોગી કાર્યોમાં રહેલી ભૂમિકા વિશે સંલગ્ન માહિતી સવિસ્તાર રજૂ કરી હતી. આ પ્રસંગે તેમણે કચ્છના પત્રકારત્વના ઇતિહાસ વ્યવસ્થિત આલેખનની જરૂરિયાત જણાવીને આ દિશામાં કામગીરી કરવા આહવાન કર્યું હતું. આજના યુગમાં ટેક્નોલોજી તથા સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે સમાચારોની સત્યતા પારખીને તેને રજૂ કરવા તથા સામાજિક દાયિત્વ નિભાવવાના હેતુથી પત્રકારત્વ કરવા પત્રકારોને તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કીર્તિભાઈ ખત્રીએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધીને તેમના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેષભાઇ મોડાસિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રેસની બદલાતી તાસીર આ વર્ષની થીમ છે ત્યારે તાજેતરના વર્ષોમાં ડિજિટલ પ્લેટફોર્મના ઉદભવના કારણે સમાચારોની પહોંચ વિસ્તરી છે. સાથે કેટલાક પડકારો પણ ઉદભવ્યા છે. રીયલ ટાઇમમાં સમાચાર આપવામાં સમાચારની વિશ્વનીયતા જોખમાઇ છે. ટેક્નોલોજીના વિકાસ સાથે સામાજિક પરિવર્તન, જાહેર અભિપ્રાય અને નીતિગત નિર્ણયોને પ્રભાવિત કરતી પ્રેસની ભૂમિકા વિશે તેમણે વાત કરી હતી. વધુમાં સંયુકત માહિતી નિયામકશ્રીએ ચોક્સાઇને લક્ષ્યમાં રાખીને પ્રેસે પત્રકારત્વની અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.  સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ ભુજના નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામભાઇ પેડવાએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ભૂમિકા સમજાવીને પ્રેસ ડે ઉજવવાનો હેતુ જણાવ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધી સિનિયર સબ એડિટરશ્રી ગૌતમભાઇ પરમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું. આજના સેમિનારમાં સહભાગી થવા સમગ્ર કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકશાહીની ચોથી જાગીરના સ્તંભ સમાન પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!