ટેટ પરીક્ષા મુક્તિ માટે ચાલતા આંદોલનો સામે જાગૃત વાલીઓ અને ઉમેદવારોનો ભારે રોષ: વિદ્યા સહાયકોની ભરતી સત્વરે પૂર્ણ કરવા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા ઉગ્ર માંગ
રાજ્યમાં ૧૬,૨૦૦ શિક્ષકોની ઘટ હોવા છતાં ૧૧,૦૦૦ પાસ ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકેની ભરતી પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલતા ભારે અસંતોષ

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટેટ પરીક્ષા મુક્તિ માટે ચાલતા આંદોલનો સામે જાગૃત વાલીઓ અને ઉમેદવારોનો ભારે રોષ: વિદ્યા સહાયકોની ભરતી સત્વરે પૂર્ણ કરવા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા ઉગ્ર માંગ
મુખ્ય અંશો:
વર્ષ ૨૦૨૩માં ટેટ-૧ નું પરિણામ માત્ર ૩% આવ્યું હતું વાલીઓની રજૂઆતથી સરકારે સમય વધારતા ૨૦૨૫માં ૧૨% (૧૧,૦૨૭ ઉમેદવારો) પાસ થયા.
૦૦૦
રાજ્યમાં ૧૬,૨૦૦ શિક્ષકોની ઘટ હોવા છતાં ૧૧,૦૦૦ પાસ ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકેની ભરતી પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલતા ભારે અસંતોષ
૦૦૦
પોતાની લાયકાત સાબિત કરવાની પરીક્ષા સામે હાલના શિક્ષકો દ્વારા જાહેરનામાનો ભંગ કરીને આંદોલનો કરાતા કાયદો અને વ્યવસ્થા સામે ઉઠતા સવાલો
૦૦૦
ટાટ (માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક) પ્રિલિમ પરીક્ષામાં ૩૫% ના બદલે ૫૦% કટ-ઓફ રાખવા માંગ, જેથી મુખ્ય પરીક્ષાની ગુણવત્તા જળવાય અને યોગ્ય શિક્ષકો મળ
મુંદરા, તારીખ: ૨૬ જૂન, ૨૦૨૬:
હાલમાં રાજ્યભરમાં શિક્ષકો દ્વારા ટેટ (શિક્ષક યોગ્યતા કસોટી) માંથી મુક્તિ મેળવવા માટે જે આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે તેની સામે સ્થાનિક જાગૃત વાલીઓ, વિદ્યાર્થીઓ અને પાસ થયેલા ઉમેદવારોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક જાગૃત વાલીએ આંકડાકીય વિગતો સાથે શિક્ષણ તંત્ર અને સરકાર સમક્ષ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવા રજૂઆત કરી છે.
વાલીઓએ ભૂતકાળના પરિણામો ટાંકીને જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩માં લેવાયેલી ટેટ-૧ ની પરીક્ષામાં ૮૬,૦૨૫ ઉમેદવારોમાંથી માત્ર ૨,૭૬૯ (૩%) જ પાસ થયા હતા. તે સમયે વિદ્યાર્થીઓએ પાસ થવાના ૬૦% ના ધોરણો ઘટાડવા અથવા સમય વધારવા વિદ્યાર્થીઓએ સ્થાનિક શિક્ષકોને રજૂઆત કરી હતી પરંતુ કોઈ શિક્ષકે સાથ આપ્યો નહોતો. અંતે અમુક જાગૃત વાલીઓએ સરકારમાં સીધી રજૂઆત કરતા સરકારે સમય ૧૨૦ મિનિટથી વધારીને ૧૫૦ મિનિટ કર્યો હતો. જેના પરિણામે વર્ષ ૨૦૨૫ ની ટેટ-૧ પરીક્ષામાં ૧૧,૦૨૭ (૧૨%) વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા હતા.
૧૧,૦૦૦ લાયક ઉમેદવારો તૈયાર હોવા છતાં ભરતી પ્રક્રિયા ધીમી:
મુદ્દાની વાત એ છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હાલમાં આશરે ૧૬,૨૦૦ જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. બીજી તરફ કાયદેસરની પરીક્ષા પાસ કરીને ૧૧,૦૦૦ જેટલા તેજસ્વી ભાવિ શિક્ષકો પાંચ વર્ષના ફિક્સ પગાર (વિદ્યા સહાયક) માં પણ સેવા આપવા તૈયાર બેઠા છે. આમ છતાં આ ભરતી પ્રક્રિયા અત્યંત ધીમી કાચબા ગતિએ ચાલી રહી છે. આશ્ચર્યની બાબત એ છે કે હાલના નોકરી કરતા શિક્ષકો કે તેમના સંગઠનોએ આ બેરોજગાર ભાવિ શિક્ષકોની ભરતી માટે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી.
જાહેરનામાનો ભંગ અને તંત્રની ઢીલી નીતિ:
તેનાથી ઉલટું જ્યારે કાયદાકીય રીતે શિક્ષકોની પોતાની લાયકાત સાબિત કરવાની પરીક્ષા આપવાનું દબાણ આવ્યું ત્યારે શિક્ષક સંઘો દ્વારા બાળકોના અભ્યાસનો સહેજ પણ વિચાર કર્યા વિના જિલ્લાકક્ષાએ ધરણા, રેલી અને હડતાલો શરૂ કરી દેવાઈ છે. અમુક જિલ્લામાં કલેક્ટર દ્વારા ૪ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધનું જાહેરનામું (કલમ ૧૪૪) અમલમાં હોવા છતાં ૭૦૦ થી ૮૦૦ જેટલા શિક્ષિત શિક્ષકો કાયદાનો સરેઆમ ભંગ કરીને રેલીઓ કાઢી રહ્યા છે. શિક્ષક સંઘના દબાણ હેઠળ પોલીસ તંત્ર પગલાં લેવામાં પાછીપાની કેમ કરી રહ્યું છે? તે સવાલની ચર્ચાએ જોર પકડ્યું છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન જળવાવું જોઈએ:
સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આવી પરીક્ષાઓ અનિવાર્ય છે. વાલીઓને એવી આશંકા છે કે બહોળી સંખ્યા ધરાવતા શિક્ષકો યેનકેન પ્રકારે મોટો ફંડ-ફાળો એકઠો કરીને સરકાર પર દબાણ લાવી પાસ થવાનું ધોરણ ૫૦% થી પણ ઓછું કરાવી લેશે. જો સરકાર આવા કોઈ રાજકીય દબાણ કે લાલચમાં આવીને નિયમો બદલશે તો રાત-દિવસ મહેનત કરીને પાસ થયેલા લાખો ભાવિ શિક્ષકોને સરાસર અન્યાય થશે.
ટાટ (માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક) પરીક્ષામાં પણ સુધારાની માંગ:
આ સાથે જ ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષક બનવા માટેની ટાટ (એસ./એચ.એસ.) ની પ્રિલિમ પરીક્ષાના માળખા પર પણ સવાલો ઉઠ્યા છે. પ્રિલિમમાં માત્ર ૩૫% કટ-ઓફ હોવાને કારણે ૧,૫૦,૦૦૦ માંથી ૫૦,૦૦૦ થી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપવા લાયક બને છે. જેના લીધે મુખ્ય 2 પરીક્ષાના ૧,૦૦,૦૦૦ થી વધુ લેખિત પેપરો તપાસવામાં ગુણવત્તા જળવાતી નથી અને હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. જો પ્રિલિમનું કટ-ઓફ ધોરણ ૫૦% કરી દેવામાં આવે તો માત્ર ૧૦,૦૦૦ જેટલા યોગ્ય ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપશે જેનાથી સમય અને માનવશક્તિની બચત થશે અને માધ્યમિક શાળાઓને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા શિક્ષકો સમયસર મળી રહેશે.
અંતિમ માંગણી:
સ્થાનિક વાલીઓ, વિદ્યાર્થીઓ અને ઉમેદવારો વતી સરકારને નમ્ર અપીલ છે કે કોઈ પણ સંગઠનના દબાણમાં આવ્યા વિના શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે પરીક્ષાના કડક નિયમો યથાવત રાખવામાં આવે અને ૧૧,૦૦૦ ટેટ પાસ ઉમેદવારોની વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા સત્વરે યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



