
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના ૭ સફાઈ કામદારોની મોટી જીત: કામદારોના હિતમાં ઔદ્યોગિક ન્યાયપંચે ઐતિહાસિક ચુકાદો આપતા ૨૩૯૦ દિવસનો વિલંબ માફ કરવાનો ઇનકાર કર્યો
મુંદરા, તા. 18: મુંદરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને નોકરીમાં દાખલ તારીખથી કાયમી કરવાના વર્ષ ૨૦૧૯ના હુકમને પડકારવાની અને તે માટે થયેલ ૨૩૯૦ દિવસ (આશરે ૬ વર્ષ) જેટલા લાંબા વિલંબને માફ કરવાની મુંદરા તાલુકા પંચાયતની અરજીને નામદાર ઔદ્યોગિક ન્યાયપંચ રાજકોટ દ્વારા સખત શબ્દોમાં નામંજૂર કરવામાં આવી છે. ન્યાયાધીશ શ્રી પી.એ. માલવિયાએ આ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે વ્યાજબી કારણ વગર કામદારોને ન્યાયથી વંચિત રાખવા માટે કરવામાં આવતી આવી વિલંબિત અરજીઓ ગ્રાહ્ય રાખી શકાય નહીં.
મુંદરા ગ્રામ પંચાયતમાં વર્ષોથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ૭ મહિલા કર્મચારીઓ જનકબેન શીવજીભાઈ મકવાણા, મંગળાબેન ખોડાભાઈ મકવાણા, સવિતાબેન કરશનભાઈ મકવાણા, શાન્તીબેન રામજીભાઈ મકવાણા, નયનાબેન ચમનભાઈ મકવાણા, ગોમીબેન ચમનભાઈ મકવાણા તથા નીરૂબેન ચમનભાઈ મકવાણા સાથે અનફેર લેબર પ્રેક્ટિસ થતી હોવાની ફરિયાદ ‘કચ્છ જિલ્લા મઝદુર વિકાસ મંચ’ના પ્રમુખ શ્રી દર્શકભાઈ અંતાણી સમક્ષ કરવામાં આવી હતી. આ મામલે ઔદ્યોગિક ન્યાયપંચમાં ચાલેલા રેફરન્સમાં તા. ૨૦/૦૮/૨૦૧૯ના રોજ ઐતિહાસિક હુકમ થયો હતો જેમાં આ ૭ કામદારોને નોકરીમાં જોડાયા ત્યારથી જ કાયમી કર્મચારી ગણી તેમને મળવાપાત્ર પગાર ધોરણ, મોંઘવારી ભથ્થું અને અન્ય લાભો આપવાનો આદેશ થયો હતો.
આ હુકમનો અમલ કરવાને બદલે મુંદરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા ૨૩૯૦ દિવસ બાદ એવી દલીલ સાથે વિલંબ માફીની અરજી કરવામાં આવી હતી કે ગ્રામ પંચાયતનું નગરપાલિકામાં રૂપાંતર થવાને કારણે ટેકનિકલ ગૂંચ ઉભી થઈ હતી. જોકે સામાવાળા યુનિયનના એડવોકેટ શ્રી યોગેશ એમ. મહેતાએ ધારદાર દલીલો કરતા પુરાવા રજૂ કર્યા હતા કે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૫ સુધી સતત પત્રવ્યવહાર કરવા છતાં તંત્રએ જાણીજોઈને હુકમની અવગણના કરી હતી.
નામદાર ન્યાયપંચે અવલોકન કર્યું કે કામદારોને ન્યાય મેળવવામાં અવરોધ ઊભો કરવાના બદઈરાદાથી આટલા લાંબા સમય બાદ અરજી કરવામાં આવી છે. કાયદામાં ‘પુરતું કારણ’ હોવું જરૂરી છે જે આ કેસમાં સાબિત થતું નથી. પરિણામે અરજદાર સંસ્થાની વિલંબ માફ કરવાની અરજી રદ કરવામાં આવી છે.
આ ચુકાદાથી હવે સફાઈ કામદારોને કાયમી કર્મચારી તરીકેના તમામ લાભો મળવાનો માર્ગ મોકળો થયો છે. આ કેસમાં શ્રમિકોના હિતમાં કચ્છ જિલ્લા મઝદુર વિકાસ મંચના પ્રમુખ દર્શકભાઈ અંતાણીના માર્ગદર્શન હેઠળ ભુજના જાણીતા એડવોકેટ અને નોટરી યોગેશ એમ. મહેતાએ સફળ કાયદાકીય લડત આપી હતી.
display_pdf – 2026-04-16T191618.013
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




