
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
સરહદી કચ્છની સુરક્ષા સામે સવાલ: નલિયામાં વેરિફિકેશન વગરના ભાડૂતો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો?
લોડાઈમાં દેશવિરોધી તત્વોની ધરપકડ બાદ નલિયાની જનતામાં ફફડાટ; મકાન માલિકોની બેદરકારી સામે લાલ આંખ કરવી અનિવાર્ય
નલિયા, તા. 3:
કચ્છ જિલ્લો પાકિસ્તાન સરહદે આવેલો ભારતનો અતિ સંવેદનશીલ વિસ્તાર છે. તાજેતરમાં ભુજ તાલુકાના લોડાઈ ગામમાંથી દેશવિરોધી ઝેર ફેલાવતા શખ્સની જે રીતે ધરપકડ કરવામાં આવી તે ઘટનાએ સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. દ્વારા જે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી દેશવિરોધી તત્વોમાં ફફડાટ છે. પરંતુ આટલી ગંભીર સ્થિતિ વચ્ચે પણ નલિયા જેવા વ્યૂહાત્મક રીતે મહત્વના બોર્ડર એરિયામાં સ્થાનિક સ્તરે જે બેદરકારી જોવા મળી રહી છે તે ચિંતાનો વિષય છે.
ચોરી કે દેશદ્રોહ? ભાડૂતોનું વેરિફિકેશન કેમ નહીં?
નલિયાના સૂર્યવંશી બિલ્ડિંગ વિસ્તારમાં બનેલી તાજેતરની ચોરીની ઘટનામાં જે રીતે અજાણ્યા શખ્સો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા તેણે સ્થાનિકોની ઉંઘ ઉડાડી દીધી છે. માત્ર થોડા વધારે ભાડાની લાલચમાં મકાન માલિકો અને લાલચુ દલાલો યુપી-બિહાર કે અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોની કોઈપણ જાતની નોંધણી (પોલીસ વેરિફિકેશન) વગર આશ્રય આપી રહ્યા છે. લોડાઈની ઘટના બાદ હવે એવી શંકા અસ્થાને નથી કે આવા અજાણ્યા ભાડૂતોમાં કોઈ અસામાજિક કે દેશવિરોધી તત્વ પણ છુપાયેલું હોઈ શકે. જો પોલીસ વેરિફિકેશન જ ન થયું હોય તો આવા તત્વોની ઓળખ કરવી અશક્ય બની જાય છે.
તંત્ર સામે વેધક પ્રશ્નો: કાગળ પરના જાહેરનામા ક્યારે અમલી બનશે?
નલિયા પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ચોરાયેલા મોબાઈલ પરત અપાવવામાં આવ્યા તે સારી બાબત છે પરંતુ મૂળભૂત પ્રશ્ન સુરક્ષાનો છે. નલિયા પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી ‘ભાડૂત નોંધણી’ ના નિયમનો ભંગ કરનારા કેટલા મકાન માલિકો સામે કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કેટલા દલાલો કે મકાન માલિકો પર અત્યાર સુધી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે? આ આંકડાઓ તો પોલીસ તંત્ર જ જાહેર કરી શકે પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે છે કે વેરિફિકેશન પ્રક્રિયામાં ગંભીર ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. જો સમયસર તપાસ થતી હોત તો ગુનાહિત માનસ ધરાવતા તત્વો રહેણાંક વિસ્તારમાં ઘૂસતા પહેલા સો વાર વિચારત. સરહદી વિસ્તારમાં વેરિફિકેશન વગર રહેતા લોકો માત્ર ચોરી જ નહીં પણ જાસૂસી કે સ્લીપર સેલ જેવી ગંભીર પ્રવૃત્તિઓ માટે માર્ગ મોકળો કરી શકે છે.
મકાન માલિકો અને દલાલોને છેલ્લી ચેતવણી:
રહેણાંક વિસ્તારમાં અડધી રાત્રે અજાણ્યા શખ્સોનું ઘૂસવું એ ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ગુનાનો સંકેત હોઈ શકે છે. નલિયાના જાગૃત નાગરિકોની માંગ છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતની ગંભીરતા સમજીને સ્થાનિક સ્તરે કડક અમલવારી કરાવે. મકાન માલિકોએ માત્ર ભાડાની આવક જોવાને બદલે રાષ્ટ્રીય સુરક્ષા અને પાડોશીઓની સલામતીનો વિચાર કરવો જોઈએ. જો ભાડૂત નોંધણીમાં બેદરકારી રાખવામાં આવશે તો તેની કિંમત સમગ્ર નલિયાએ ચૂકવવી પડી શકે છે.
“જ્યારે સરહદ પર દેશદ્રોહી તત્વો સક્રિય હોય ત્યારે સ્થાનિક સ્તરે મકાન માલિકોની નાનકડી લાલચ દેશ માટે મોટું જોખમ બની શકે છે. જાગો નલિયાવાસીઓ, જાગો!”

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




