વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૧ માર્ચ : આપણી આસપાસ જે પણ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે, તે બધી વિજ્ઞાનને આભારી છે. વિજ્ઞાને મનુષ્યને દુ:ખમાંથી મુક્ત કરવામાં, અજ્ઞાનતા દૂર કરવામાં અને મુશ્કેલીઓ ઓછી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યારે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવાય, કુતૂહલતા વધે અને જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય એ માટે નોખાણિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભારતીય ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા સર ચંદ્રશેખર વેંકટ રામને કરેલી રામન ઇફેક્ટ શોધની યાદમાં ‘વિજ્ઞાનમાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાઓને સશક્તિકરણ અને વિકસીત ભારત માટે નવીનતા’ એ થીમ પર શાળામાં રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભમાં શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ સૌને આવકારી એકવીસમી સદીને જ્ઞાન અને વિજ્ઞાનની સદી ગણાવી આ દિવસની ઉજવણીનો હેતુ અને રોજબરોજના જીવનમાં વિજ્ઞાનના ઉપયોગ, વૈજ્ઞાનિક શોધો , વિજ્ઞાનના કારણે થયેલ વિવિધ ક્ષેત્રે પ્રગતિ વગેરે બાબતે છણાવટ કરી બાળકોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવા અનુરોધ કર્યો હતો. આ તકે શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા વિવિધ ૧૪ પ્રકારની વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શ્રેષ્ઠ જાહેર કરાયેલ ૩ કૃતિના બાળકોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે બાળકો માટે પ્રશ્નોતરી અને ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ણાયકો તરીકે શાળાના શિક્ષકો લીલાધર બિજલાણી, નમ્રતા આચાર્ય અને માનસી ગુસાઇએ સેવા આપી હતી. સમગ્ર આયોજન શાળાના ગણિત – વિજ્ઞાનના ટેકનોસેવી શિક્ષક કેશુભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું.