
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને છાશ વિતરણ વચ્ચે વિરોધાભાસ: દાતાઓ સસ્તી પ્રસિદ્ધિને બદલે સ્મશાન જેવી પાયાની સુવિધાઓ પર ધ્યાન આપે તે સમયની માંગ
મુંદરા, તા. 5:
તાજેતરમાં મુંદરા તાલુકામાં મુંબઈ વસતા દાતાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સેવાકીય કાર્યો ચર્ચાનો વિષય બન્યા છે. મુંદરા તાલુકાના છસરા ગામના વતની અને હાલે મુંબઈ સ્થિત દાતા દ્વારા તાલુકાના શિક્ષકો અને તલાટીઓને ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ અંતર્ગત સ્ટીલની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ છે કે એ જ દિવસે એ જ દાતા દ્વારા અન્ય એક કાર્યક્રમમાં મુસાફરોને પ્લાસ્ટિકના ગ્લાસમાં છાશ પીરસવામાં આવતી હોવાની તસવીરો સામે આવી છે. એક તરફ પ્લાસ્ટિકના ગેરફાયદા ગણાવી સ્ટીલની બોટલો આપવી અને બીજી તરફ પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરવો એ દાતાના બેવડા અભિગમ અને પર્યાવરણ પ્રત્યેની ગંભીરતા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઊભા કરે છે.
આ પ્રસંગે એક ગંભીર સામાજિક પાસા તરફ ધ્યાન દોરતા જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે માત્ર નામના કે સસ્તી પ્રસિદ્ધિ માટે કાર્યક્રમો કરવાને બદલે જો દાતાઓ વાસ્તવિક જરૂરિયાતો તરફ નજર કરે તો સાચી સેવા થઈ ગણાશે. તાજેતરમાં છસરા ગામમાં એક મરણ પ્રસંગે સ્મશાનમાં ગયેલા લોકોએ અત્યંત દયનીય સ્થિતિનો અનુભવ કર્યો હતો. કાળઝાળ ગરમી અને અગ્નિસંસ્કારની ઝાળ વચ્ચે સ્મશાનમાં બેસવા માટે બાંકડા કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. પાણીના અભાવે અને અસહ્ય લૂ લાગવાને કારણે તાજેતરમાં એક બનાવમાં અગ્નિ સંસ્કારવિધિ દરમ્યાન એક શોકમગ્ન યુવાન બેભાન થઈ જતાં તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. સ્વજન ગુમાવવાના દુઃખમાં ડૂબેલા પરિવાર માટે આ ઘટના ‘પડ્યા પર પાટું’ સમાન સાબિત થઈ હતી.
મુંદરા અને કચ્છમાં જૈન સમાજ સહિત અનેક સુખી-સંપન્ન દાતાઓ વસે છે. જો આ દાતાઓ દ્વારા દરેક ગામના સ્મશાનમાં પીવાના પાણી માટે માટીની ટાંકીઓ, બેસવા માટે સિમેન્ટના બાંકડા અને અદાણી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણ કરીને છાયાની વ્યવસ્થા કરવામાં આવે તો તે માનવતાનું ઉત્તમ કાર્ય ગણાશે. દરેક વ્યક્તિએ જીવનના અંતે જે સ્થળે જવાનું છે તે ‘અંતિમ વિસામા’ને સુવિધાયુક્ત બનાવવો એ સમયની માંગ છે.
કેટલાક શહેર અને ગામડામાં સ્મશાનગૃહની વ્યવસ્થા જોઈને લોકો તેને જોવાલાયક સ્થળોની યાદીમાં સ્થાન આપ્યાના દાખલા પણ છે. કચ્છના દાતાઓ પણ જો પાયાની સુવિધાઓ પર ધ્યાન આપી સ્મશાનગૃહોનો કાયાકલ્પ કરે તો જન્મેલા દરેક વ્યક્તિના છેલ્લા વિસામાને સન્માનજનક અને સુખદ બનાવી શકાય. આ માટે સ્થાનિક અને મુંબઈ વસતા તમામ દાતાઓ આગળ આવીને નક્કર પહેલ કરે તે જરૂરી છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



