KUTCHMUNDRA

વેકેશન લંબાવવાની માંગ અને નીતિ આયોગના ચોંકાવનારા આંકડા વચ્ચે તંત્રને ક્રાંતિકારી આહ્વાન

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

વેકેશન લંબાવવાની માંગ અને નીતિ આયોગના ચોંકાવનારા આંકડા વચ્ચે તંત્રને ક્રાંતિકારી આહ્વાન

 

મુંદરા, તા. 28:

રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા અસહ્ય હીટવેવ અને ગરમીના ૪૦ થી ૪૪ ડિગ્રી પારાને ધ્યાને રાખીને શાળાઓમાં ઉનાળુ વેકેશન આગામી ૧૮ જૂન સુધી લંબાવવા માટે જે રજૂઆત કરવામાં આવી છે આ વ્યાજબી માંગણીને સ્વીકારવાની સાથે શિક્ષણ જગતની એક અત્યંત કડવી અને ચોંકાવનારી વાસ્તવિકતા તરફ જાણકારો દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. નીતિ આયોગના સત્તાવાર અહેવાલ મુજબ ‘શિક્ષિત ગુજરાત’ ના દાવાઓ વચ્ચે રાજ્યમાં ૨,૪૦,૦૦૦ થી વધુ બાળકોએ ધોરણ ૧૨ પહેલાં જ શાળાએ જવાનું છોડી દીધું છે જેમાં ૧.૧ લાખ જેટલી તો માત્ર દીકરીઓ જ સામેલ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે માત્ર કાગળ પર મહોત્સવો ઉજવવાથી શૈક્ષણિક સ્તર સુધરશે નહીં પરંતુ તેના માટે ક્ષેત્ર સ્તરે જઈને નક્કર વહીવટી અને સામાજિક સુધારાઓ કરવા પડશે.

આ ગંભીર પરિસ્થિતિને એક સુવર્ણ તકમાં બદલવા માટે ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શિક્ષણ મંત્રીશ્રીને અપીલ કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્યના હિતમાં ઉનાળુ વેકેશન ભલે ૧૮ જૂન સુધી લંબાવવામાં આવે પરંતુ રાજ્યના તમામ શિક્ષક મિત્રો વેકેશન ખુલવાની મૂળ તારીખ એટલે કે ૮ જૂને જ શાળાઓમાં સત્તાવાર રીતે હાજર થઈ જાય. આ વધારાના ૧૦ દિવસ દરમિયાન શિક્ષકો કાગળ પરની કામગીરી છોડીને ગામડાંઓ, અંતરિયાળ વાડી વિસ્તારો અને છેવાડાની ગરીબ વસ્તીમાં રૂબરૂ ‘ગ્રાઉન્ડ લેવલ સર્વે’ કરવા માટે જાય. ડ્રોપ-આઉટ થયેલા અઢી લાખ બાળકોના વાલીઓ સાથે સવાર-સાંજ સીધો સંવાદ અને કાઉન્સેલિંગ કરીને તેઓ કયા કયા સામાજિક કે આર્થિક કારણોસર શાળાએ નથી આવી શકતા તેની જમીની હકીકત સમજીને એક સચોટ રિપોર્ટ તૈયાર કરે જેથી આ ડ્રોપ-આઉટ રેશિયોને બિલકુલ ‘૦’ (શૂન્ય) સુધી લાવી શકાય.

આ સાથે જ પ્રેસનોટમાં માત્ર આર્થિક નફાખોરી કરવાના હેતુથી ચાલતી ગ્રાન્ટેડ અને ખાસ કરીને નોન-ગ્રાન્ટેડ (સેલ્ફ-ફાઇનાન્સ) શાળાઓના સંચાલકોની આંખ ઉઘાડતી આકરા શબ્દોમાં ટકોર કરવામાં આવી છે કે શિક્ષણ એ વ્યવસાય કે વ્યાપાર નથી પરંતુ સેવા અને સંસ્કારનું માધ્યમ છે. શાળા સંચાલકો માત્ર રજાઓ લંબાવવાની માંગણીઓ ન કરે પરંતુ વાસ્તવિક સામાજિક જવાબદારી સ્વીકારીને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઓછી ફી, મફત પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ તેમજ વાડી વિસ્તારમાંથી આવતા બાળકો માટે વાહનની વિનામૂલ્યે સગવડ પૂરી પાડવાની ખાતરી આપે. આ સમગ્ર પ્રક્રિયા માત્ર કાગળ પર ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ૧૦ દિવસના ગૃહ મુલાકાત અભિયાનનું ડિજિટલ માધ્યમો (Online Apps) દ્વારા લાઈવ ટ્રેકિંગ અને સચોટ મોનિટરિંગ કરવામાં આવે. જો સરકાર આ દિશામાં સંવેદનશીલ અને મક્કમ નિર્ણય લેશે તો બાળકોનું આરોગ્ય પણ સુરક્ષિત રહેશે અને ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ નું સૂત્ર ખરા અર્થમાં સાર્થક થશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!