
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
નારી શક્તિના સમર્થનમાં કચ્છના રતાડિયા ગામના જલારામ સખી મંડળે વડાપ્રધાનને પત્ર લખી ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને આપ્યો ટેકો
રતાડીયા (કચ્છ), તા. 19:
તાજેતરમાં સંસદના વિશેષ સત્રમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત બિલ) અંગે થયેલી આકરી ચર્ચા અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની માતાઓ-બહેનોને ઉદ્દેશીને આપેલા હૃદયસ્પર્શી સંબોધનનો પડઘો હવે છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યો છે. કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના રતાડિયા ગામના ‘જલારામ સખી મંડળ’ દ્વારા વડાપ્રધાનશ્રીને એક એક ભાવુક પત્ર લખીને આ ઐતિહાસિક સુધારા માટે મક્કમ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરએ જણાવ્યું હતું કે, ભારતની રાજકીય વ્યવસ્થામાં ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી કે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેવા નામ ગૌરવશાળી છે, પરંતુ તે માત્ર ગણતરીના ઉદાહરણો છે. સાચું સશક્તિકરણ ત્યારે જ ગણાશે જ્યારે દેશની પંચાયતોની જેમ સંસદમાં પણ સામાન્ય ઘરની અને ગામડાની મહિલાઓ બહુમતીમાં બેસશે. આ બિલ એ માત્ર કાયદો નથી, પણ લાખો ગ્રામીણ મહિલાઓ માટે સંસદ સુધી પહોંચવાનું દ્વાર છે.
વડાપ્રધાનશ્રીને પાઠવેલા સમર્થન પત્રમાં વિશેષમાં જણાવાયું છે કે “આદરણીય નરેન્દ્રભાઈ, આપે જે રીતે એક મોટા ભાઈ તરીકે દેશની બહેનોની માફી માંગી છે તે આપની સંવેદનશીલતા દર્શાવે છે, પરંતુ દેશની નારી શક્તિ જાણે છે કે આપનો ઈરાદો પવિત્ર છે. ભલે રાજકીય કાવાદાવાને કારણે આજે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી ન મળી હોય પરંતુ આપના આ અભિયાનમાં ભારતની કરોડો બહેનોનું અતૂટ સમર્થન અને આશીર્વાદ આપની સાથે છે. અમે માનીએ છીએ કે સંખ્યાબળ એ માત્ર આંકડાની રમત છે પણ આપનું આત્મબળ અજેય છે. આજે ભલે અવરોધો આવ્યા હોય પણ અમને પૂરો વિશ્વાસ છે કે આવનારા સમયમાં આપના નેતૃત્વમાં જ આ મિશન સફળ થશે. રતાડિયા ગામની અમે 10 બહેનો ભલે સંખ્યામાં ઓછી છીએ પણ અમારી દુઆઓ 10 કરોડ બહેનો જેટલી શક્તિશાળી છે અને તે હંમેશા આપના રાષ્ટ્રહિતના કાર્યોમાં આપની સાથે ઢાલ બનીને ઊભી રહેશે.”
કચ્છની ભૌગોલિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા તિતિક્ષાબેને ઉમેર્યું કે, “કચ્છ જેવા પછાત ગણાતા વિસ્તારોમાં આજે મહિલા અનામતને કારણે જ ગ્રામ પંચાયતથી જિલ્લા પંચાયત સુધી બહેનો નેતૃત્વ કરી રહી છે. મારા વતનના ગામમાં તો ‘દીકરી પંચાયત’ અને દીકરીના નામની નેમપ્લેટ જેવા પ્રયોગો સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે. સ્થાનિક કક્ષાએ અનામત સફળ રહી છે ત્યારે આ જ પરિવર્તન હવે રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળે તે માટે અમે આપના ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને હૃદયપૂર્વક આવકારીએ છીએ.”
બોક્સ આઈટમ:
શું છે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ અને તેના ભવિષ્યના ફાયદા?
રાજકીય ભાગીદારી: લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવામાં આવશે.
નવું લોકશાહી માળખું: આ કાયદાના અમલ બાદ લોકસભાની બેઠકોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે, જેથી અન્ય વર્ગોને નુકસાન થયા વગર મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ મળશે.
નિર્ણય લેવાની શક્તિ: અત્યાર સુધી બહેનો માત્ર મતદાર હતી, હવે તે દેશ માટે કાયદા ઘડવાની સર્વોચ્ચ સંસ્થામાં બેસીને પોતાની અને દેશની પ્રગતિના નિર્ણયો લેશે.
ગ્રામીણ નેતૃત્વને વેગ: પંચાયતી રાજમાં સફળ થયેલી બહેનો માટે હવે સંસદ અને વિધાનસભાના દ્વાર ખૂલશે જેનાથી ગ્રામીણ સમસ્યાઓનો રાષ્ટ્રીય સ્તરે નિકાલ આવશે.
સામાજિક પરિવર્તન: જ્યારે વધુ મહિલાઓ સત્તામાં આવશે, ત્યારે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર વધુ અસરકારક કામગીરી થશે.
અમલીકરણ: આ સુધારો નવા સીમાંકન અને વસ્તી ગણતરી બાદ 2029ની ચૂંટણીથી સંપૂર્ણપણે લાગુ કરવાની તૈયારી છે જે ભારતીય લોકશાહીની નવી દિશા નક્કી કરશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





