
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પુત્રના પગલે હવે માતા-પિતા પણ સંયમના માર્ગે: મુંદ્રાના યુવા દંપતીની નાસિકમાં ભવ્ય દીક્ષા
નાસિક/મુંદ્રા, તા. 18:
કહેવાય છે કે સંતાનો માતા-પિતાના પગલે ચાલતા હોય છે, પરંતુ જૈન ધર્મની પવિત્ર પરંપરામાં એક અદભૂત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ કચ્છ મુંદ્રાના વતની અને હાલ બેંગ્લોર સ્થિત યુવા દંપતી શ્રી રાહુલભાઈ રમેશભાઈ મહેતા અને શ્રીમતી અલ્પાબેન રાહુલભાઈ મહેતાએ પોતાના પુત્રના પદચિન્હો પર ચાલીને સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ દંપતીના એકમાત્ર પુત્રએ ત્રણ વર્ષ પૂર્વે જ દીક્ષા અંગીકાર કરી હતી, અને હવે માતા-પિતા પણ તે જ માર્ગે આગળ વધી રહ્યા છે.
આ ભવ્ય દીક્ષા મહોત્સવ આગામી ૨૩મી એપ્રિલે વણી તીર્થ (જિ. નાસિક) મધ્યે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભુવનભૂષણસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં યોજાશે.
મહિમાવંત પરિવાર:
મુન્દ્રા-નાસિક નિવાસી માતુશ્રી વસુમતીબેન રમેશભાઈ માધવજીભાઈ મહેતા પરિવારના પુત્ર-પુત્રવધૂ તથા મુન્દ્રાની જૂની પેઢી સંઘવી દામોદર ચાંપશી પરિવારના માતુશ્રી શારદાબેન સુરેશભાઈ નાનાલાલભાઈ સંઘવી પરિવારના દીકરી-જમાઈના આ વૈરાગ્યમય નિર્ણયથી જૈન સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
મહોત્સવની રૂપરેખા:
દીક્ષા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે:
* ૨૧મી એપ્રિલ:બપોરે કાષાય (કપડાં) રંગવાની વિધિ અને રાત્રે દીક્ષાર્થીઓની ભાવભીની વિદાય.
* ૨૨મી એપ્રિલ:સવારે ભવ્ય વરસીદાન યાત્રા, સાંજે અંતિમ વાયણું અને રાત્રે ભક્તિ સભર ‘સંયમ સંધ્યા’.
* ૨૩મી એપ્રિલ: વહેલી સવારે મુમુક્ષુ દંપતી દીક્ષા અંગીકાર કરી સંયમ જીવનમાં પ્રવેશ કરશે.
તપગચ્છ જૈન સંઘના સહમત વિનોદ મહેતાની યાદી મુજબ, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કચ્છ, મુંબઈ, નાસિક, બેંગ્લોર, હૈદરાબાદ સહિત સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




