KUTCHMUNDRA

આરોગ્ય કર્મચારીઓ આર્થિક અન્યાયનો ભોગ બનતા ટેકનિકલ કેડરના હક માટે હવે હાઈકોર્ટના દ્વારે : ‘આરપારનો જંગ’ લડવા તૈયારી શરૂ 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

આરોગ્ય કર્મચારીઓ આર્થિક અન્યાયનો ભોગ બનતા ટેકનિકલ કેડરના હક માટે હવે હાઈકોર્ટના દ્વારે : ‘આરપારનો જંગ’ લડવા તૈયારી શરૂ 

 

ભુજ (કચ્છ), તા. 19:

ગુજરાત રાજ્યના લાખો નાગરિકોના સ્વાસ્થ્યની દિવસ – રાત રક્ષા કરતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કર સહિતની કેડર સાથે સરકાર દ્વારા કરવામાં આવતા આર્થિક અન્યાય સામે હવે કર્મચારીઓએ ન્યાયિક લડતનું રણશિંગુ ફૂંકવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.

 

શું છે સમગ્ર મામલો?:

 

આરોગ્ય વિભાગના તા. ૧૨/૦૯/૨૦૦૧ ના ઠરાવ મુજબ ટેકનિકલ ફરજો બજાવતા કર્મચારીઓને ટેકનિકલ કેડરમાં ગણવા પાત્ર હોવા છતાં આજ દિન સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. આ બાબતે રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટી, જેમાં અધિક નિયામકશ્રી (જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી સેવા)નો સમાવેશ થાય છે, તેમણે તારીખ ૨૦/૦૫/૨૦૨૩ અને ૦૬/૦૩/૨૦૨૪ ની બેઠકોમાં સ્પષ્ટપણે સર્વાનુમતે અભિપ્રાય આપ્યો છે કે: “ચારેય કેડર (MPHW/FHW/MPHS/FHS) ના જોબચાર્ટ અને કામગીરી જોતા તેમને ટેકનિકલ કેડર ગણવા જોઈએ.”

 

કર્મચારીઓનો આક્રોશ અને કાયદાકીય માર્ગ:

 

વર્ષોથી પડતર આ માંગણી માટે કર્મચારી મંડળો દ્વારા અગાઉ બે વખત રાજ્યવ્યાપી હડતાલ પાડવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા જાગૃત કર્મચારીઓ દ્વારા નામદાર હાઈકોર્ટના નિષ્ણાંત વકીલશ્રી હર્ષ આર. જોશીનો સંપર્ક કરતા તેમની કાયદાકીય સલાહ મુજબ જ્યારે સરકારની પોતાની કમિટીએ આ વાત કબૂલી હોય ત્યારે કોર્ટમાંથી કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવવાની અને નાણાંકીય લાભો મળવાની શક્યતા વધી જતી હોય છે. અને ગુજરાત સેવા વર્તણૂક નિયમો મુજબ પોતાના નાણાંકીય હક માટે ન્યાયના રસ્તે લડવું એ કોઈ શિસ્તભંગનો ભાગ નથી. જ્યારે અન્ય પંચાયત સેવાના કર્મચારીઓ કોર્ટ દ્વારા પોતાના હક મેળવી રહ્યા છે ત્યારે આરોગ્ય કર્મચારીઓએ પણ એક થઈને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા આગળ આવવું જોઈએ.

 

આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં કમિટીના અહેવાલ મુજબ તાત્કાલિક ટેકનિકલ કેડર જાહેર કરવી, ટેકનિકલ કર્મચારી મુજબનું નવું પગાર ધોરણ અને એરિયર્સ ચૂકવવું અને વર્ષોથી થતા આર્થિક શોષણનો અંત લાવવો તે છે. હવે આ લડત મેદાનમાં નહીં, પરંતુ કાયદાના રક્ષણ હેઠળ કોર્ટમાં લડાશે અને ચોક્કસપણે જીત થશે એવા વિશ્વાસ સાથે વધુ માહિતી કે કેસમાં જોડાવા માટે આરોગ્ય કર્મચારીઓને મંડળના હોદ્દેદારોનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!