
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગારખડી ગામે રહેતા ખેડૂત સોનિયાભાઈ સખરામભાઈ બાગુલ પોતાના પાલતુ ઢોરોને ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં ચારો ચરાવવા માટે લઈ ગયા હતા.તે દરમિયાન બપોરે આશરે 2 વાગ્યાનાં અરસામાં જંગલમાંથી અચાનક દીપડો આવી ચડ્યો હતો અને જોતજોતામાં દીપડાએ પાડાનું મારણ કરતા ફફડાટ ફેલાયો હતો.ગારખડી ગામ નજીકનાં કોતર નજીક આવેલ વિસ્તારમાં ધોળે દિવસે દીપડાએ ખેડૂતના પાલતુ પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.ગારખડી ગામના જાગૃત આગેવાન બાલુભાઈ વળવીએ આ બનાવ સંદર્ભે ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ પીપલાઈદેવી રેન્જને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





