દાહોદ જિલ્લાના વકીલોની હડતાલ સમેટાય, વકીલ બાર એસોશીએશનની માંગો સ્વીકારાતા વકીલો કામકાજમાં જોડાયા

તા.૦૮.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના વકીલોની હડતાલ સમેટાય, વકીલ બાર એસોશીએશનની માંગો સ્વીકારાતા વકીલો કામકાજમાં જોડાયા
ગુજરાતભરમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વકીલોની ન્યાયી માંગણીઓનો સ્વીકાર કરાતાં જ સમગ્ર રાજ્ય સાથે દાહોદમાં પણ ખુશીની લહેર વકીલ મંડળમાં દોડી ગઈ છે. દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં બાર એસોસિએશનની મહત્વની બેઠક બાદ હડતાળ સત્તાવાર રીતે સમેટી લેવામાં આવી છે તેવી જાહેરાત કરાઈ હતી, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વકીલોએ રજૂ કરેલી માંગણીઓ ગ્રાહ્ય રાખવામાં આવતાં જ ન્યાયના ધામમાં ચાલતો ગતિરોધ દૂર થયો છે. આજે દાહોદના ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં દાહોદ વકીલ બાર એસોસિએશન મંડળની એક અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટના હકારાત્મક વલણ અને માંગણીઓના સ્વીકારને વધાવી લેવામાં આવ્યો હતો. બેઠક પૂર્ણ થતાં જ વકીલ મંડળે હડતાળ પૂરી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. હડતાળનો અંત આવતાં જ તમામ વકીલમિત્રો ઉત્સાહભેર પોતપોતાના રૂટિન કામકાજમાં જોડાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અટકેલી ન્યાયિક પ્રક્રિયા ફરી એકવાર ધમધમતી થઈ છે, જેનાથી અરજદારોએ રાહતનો શ્વાસ લીધો છે. હાઈકોર્ટ અને વકીલ મંડળ વચ્ચેના આ સકારાત્મક નિર્ણયથી ન્યાયતંત્રનો રથ ફરી પાટા પર ચડી ગયો છે. દાહોદ સહિત સમગ્ર રાજ્યની અદાલતોમાં હવે કામગીરી પૂર્વવત શરૂ થઈ ચૂકી છે





