
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં એલસીબીની મોટી સફળતા : ‘કાલબેલીયા ગેંગ’ના સભ્યની ધરપકડ, સગીર ડિટેઈન ; 9 વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી 9 બાઇક કબજે
અરવલ્લી જિલ્લા સ્થાનિક ગુના શાખા (એલસીબી)એ વાહનચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મેળવી છે. એલસીબીની બે અલગ-અલગ કાર્યવાહીમાં ‘કાલબેલીયા ગેંગ’ના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ડિટેઈન કરવામાં આવ્યો છે. બંને કાર્યવાહી દરમિયાન કુલ 9 વણશોધાયેલા વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કુલ 9 મોટરસાયકલો, અંદાજિત રૂ. 3.55 લાખના મુદ્દામાલ સાથે કબજે કરવામાં આવ્યા છે
પોલીસના જણાવ્યા અનુસાર, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી લાંબા સમયથી વણશોધાયેલા વાહનચોરીના ગુનાઓ ઉકેલવા ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ કાર્યવાહીમાં બાજકોટ ગામ પાસે હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બેડસા ગામના રહેવાસી જગદીશ ઉર્ફે સરદાર શંકરભાઈ કાલબેલીયાને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના સાગરીત નરેશભાઈ જોરાવર કનીપા સાથે મળીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 6 મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીની નિશાનદેહી પરથી કુલ 6 મોટરસાયકલો, અંદાજિત રૂ. 2.90 લાખના મુદ્દામાલ સાથે કબજે કરવામાં આવી હતી. આ વાહનો મોડાસા ટાઉન, મોડાસા રૂરલ, ભિલોડા અને ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
બીજી કાર્યવાહીમાં ગાજણ ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે મેઘરજ, અમદાવાદના નરોડા અને હિંમતનગર વિસ્તારમાંથી કુલ 3 મોટરસાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી કુલ 3 મોટરસાયકલો, અંદાજિત રૂ. 65 હજારના મુદ્દામાલ સાથે કબજે કરી ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.આ બંને સફળ કાર્યવાહીથી કુલ 9 વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને કુલ 9 મોટરસાયકલો મળી અંદાજિત રૂ. 3.55 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. બંને કેસમાં પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપીની શોધખોળ પણ ચાલુ રાખવામાં આવી છે.





