GUJARATKUTCHMANDAVI

ABRSM કચ્છ દ્વારા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી તથા ગુજરાતના મુખ્યમંત્રી ને વિવિધ શૈક્ષણિક પ્રશ્નો અંગે પાઠવાયા આવેદન પત્રો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૮ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ (ABRSM) કચ્છ જિલ્લા એકમ દ્વારા શિક્ષકોની ગરિમા, શૈક્ષણિક સ્વતંત્રતા અને તેમના ન્યાયિક અધિકારોના રક્ષણ માટે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી મારફતે દેશના માનનીય પ્રધાનમંત્રી, કેરળના માનનીય મુખ્યમંત્રી, કેરળના માનનીય રાજ્યપાલ તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંયુક્ત રીતે આવેદનપત્રો સુપ્રત કરવામાં આવ્યા હતા.

માનનીય જિલ્લા કલેક્ટર મારફતે રજૂ કરવામાં આવેલા આ આવેદનપત્રોમાં મુખ્યત્વે બે મહત્વના શૈક્ષણિક મુદ્દાઓ પર તાત્કાલિક અને ન્યાયસંગત પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે:

૧. કેરળમાં સાવરકર અંગેના પ્રશ્ન બદલ શિક્ષકના નિલંબન સામે તીવ્ર વિરોધ:

કેરળના કાસરગોડ જિલ્લાના કુંબલા સબ-ડિસ્ટ્રિક્ટમાં યોજાયેલ શાળાકીય સોશિયલ સાયન્સ ક્વિઝમાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર અંગે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષક ગુરુ પ્રસાદને અન્યાયી રીતે નિલંબિત કરવામાં આવ્યા છે. મહાસંઘની માંગ છે કે આ નિલંબન તાત્કાલિક અસરથી રદ કરી તેમને સન્માનપૂર્વક સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવે. જો ક્વિઝની પ્રશ્નાવલી અધિકારીઓના અનુમોદન બાદ જ વિતરિત થઈ હોય, તો માત્ર શિક્ષકને જવાબદાર ઠેરવવા અયોગ્ય છે. આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ અને શાળાકીય શિક્ષણમાં શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતા તથા ઇતિહાસના તથ્યાત્મક શિક્ષણનું રક્ષણ થવું જોઈએ.

૨. સાબરકાંઠાની હસનપુર પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય સામેની કાર્યવાહીની પુનઃવિચારણા:

સાબરકાંઠા જિલ્લાના હસનપુર પ્રાથમિક શાળામાં PM POSHAN (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત બનેલી ઘટનાના સંદર્ભે શિક્ષકશ્રીને કરવામાં આવેલ ફરજમુક્તિ/બદલીનો હુકમ અને આચાર્યશ્રીને અપાયેલ ચાર્જશીટ રદ કરી શિક્ષકને મૂળ ફરજના સ્થળે પુનઃસ્થાપિત કરવામાં આવે. PM POSHAN યોજનાની માર્ગદર્શિકા મુજબ ભોજન બનાવવાની અને પૂરૂં પાડવાની મુખ્ય જવાબદારી કૂક-કમ-હેલ્પર અને સ્વસહાય જૂથોની છે, જ્યારે શિક્ષકની ભૂમિકા માત્ર સુપરવિઝનની છે. સીધી સોંપાયેલ જવાબદારી ન હોવા છતાં શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાથી શિક્ષક આલમમાં ભયનું વાતાવરણ ઊભું થાય છે. આ યોજનામાં શિક્ષકો અને આચાર્યોની ફરજોની સ્પષ્ટ સીમા નક્કી કરવામાં આવે જેથી તેમનું મુખ્ય શૈક્ષણિક કાર્ય અસરગ્રસ્ત ન થાય.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શિક્ષકોના હિત, તેમની ગરિમા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે આ બંને બાબતોમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજય મંત્રી રમેશભાઈ ગાગલ,જિલ્લા મંત્રી મયુરભાઈ પટેલ,જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ સહિતના હોદ્દેદારો જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણ શાહની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!