MAHISAGARSANTRAMPUR

કુપોષણ મુક્ત મહીસાગરના સંકલ્પ સાથે ‘પ્રોજેક્ટ સહકાર’નો નવો તબક્કો: ખાનગી તબીબોના સહયોગથી લુણાવાડા ખાતે બાળકોનું હેલ્થ ચેકઅપ યોજાયું

કુપોષણ મુક્ત મહીસાગરના સંકલ્પ સાથે ‘પ્રોજેક્ટ સહકાર’નો નવો તબક્કો: ખાનગી તબીબોના સહયોગથી લુણાવાડા ખાતે બાળકોનું હેલ્થ ચેકઅપ યોજાયું
****

 

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

 

મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા કલેક્ટર શ્રી અર્પિત સાગર દ્વારા ‘પ્રોજેક્ટ સહકાર’ કાર્યરત કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લઈ બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજરોજ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે બાળકોના આરોગ્યની તપાસનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ જિલ્લાની આંગણવાડીઓ દત્તક લીધી છે. આ આંગણવાડીઓમાં આવતા અત્યંત ઓછા વજનવાળા (SAM) અને મધ્યમ ઓછા વજનવાળા (MAM) બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે તંત્ર સીધી દેખરેખ રાખી રહ્યું છે.
આજરોજ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે યોજાયેલા તપાસ કેમ્પમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિધ્ધાર્થ ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી સી. આર. પટેલીયાઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાળરોગ નિષ્ણાંત ડો. શૈલેષ પંચાલ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નિશાંત પટેલ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ પણ સેવાનો હાથ લંબાવ્યો છે અને સમયાંતરે સેવા આપશે.
આર.બી.એસ.કે. (RBSK) ટીમની મદદથી ઓછા વજનવાળા બાળકોને હોસ્પિટલ સુધી લાવી તેમની બ્લડ ટેસ્ટ અને એક્સ-રે જેવી સઘન તપાસ કરવામાં આવશે. નિદાનના આધારે જે બાળકોને વધુ સારવાર કે વિશેષ ખોરાકની જરૂર છે, તેમની યાદી તૈયાર કરી આગળનું ફોલો-અપ લેવામાં આવશે.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ખાનગી અને સરકારી તબીબો તેમજ વહીવટી તંત્રના સંકલનથી ચાલતો આ ‘પ્રોજેક્ટ સહકાર’ મહીસાગર જિલ્લાને સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Back to top button
error: Content is protected !!