
લોકશાહીના આ પર્વમાં અચૂક મતદાન કરી પોતાની ફરજ નિભાવવા મહીસાગર જિલ્લાવાસીઓને કલેક્ટરની અપીલ
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી તારીખ ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ ૨૮ એપ્રિલ, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે.
જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ચૂંટણી વ્યવસ્થાપનની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે તેમજ ૮ તાલુકા પંચાયતોની કુલ ૧૫૦ બેઠકો પૈકી ૧૪૭ બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની ૧ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.
જિલ્લામાં કુલ ૮ ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાંથી આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.તાલુકા પંચાયત માટે કુલ ૯૧૩ અને નગરપાલિકા માટે ૬ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ ઉપરાંત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે ૨૫ ચૂંટણી અધિકારીઓ અને ૩૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિમવામાં આવ્યા છે.મતદાન પ્રક્રિયા સુચારુ રૂપે પાર પાડવા માટે ૫૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ૨૨૦૦ થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ જરૂરી આયોજનો કરવામાં આવ્યા છે.
અંતમાં, કલેક્ટરે મહીસાગર જિલ્લાના તમામ જાગૃત મતદારોને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટે કોઈપણ પ્રકારના ડર કે પ્રલોભન વગર, પોતાની નૈતિક ફરજ સમજીને આગામી તા. ૨૬મી એપ્રિલના રોજ અચૂક મતદાન કરવા માટે ભાવભરી અપીલ કરી છે.
બોક્ષ
ગરમીથી બચાવ અને મતદાન મથકે વિશેષ વ્યવસ્થા
વર્તમાન ગરમીના માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે:
મતદારોને અનુરોધ છે કે મતદાન કરવા જતી વખતે સુતરાઉ અને આછા રંગના ખુલતા કપડાં પહેરવા. માથા પર ટોપી, રૂમાલ કે છત્રીનો અચૂક ઉપયોગ કરવો. તડકામાં નીકળતા પહેલા પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને મતદાન મથકે પોતાની પાણીની બોટલ સાથે રાખવી.
તમામ મતદાન મથકો પર વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર, બેસવા માટે ખુરશીઓ અને છાંયડા માટે મંડપ/શેડની વ્યવસ્થા કરવામાં આવી છે.મતદાન મથકો પર મહિલાઓ અને પુરુષો માટે અલાયદી લાઈનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે મતદાન મથકો પર પીવાના પાણી સાથે ORS અને પ્રાથમિક સારવાર માટેની મેડિકલ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે




