
જિલ્લા કલેકટરશ્રી સુશ્રી અર્પિત સાગરે પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી
………….

મહિસાગરમાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા પોલીસ અને મતદાન મથકના સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બન્યાં
…………………….
માહિતી બ્યુરો મહીસાગર
આગામી ૨૬ મી એપ્રિલના રોજ મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં નગરપાલિકા લુણાવાડા પેટા વોર્ડ નં.૫ ની ચૂંટણી, મહીસાગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો અને કડાણા, સંતરામપુર, ગોધર, ખાનપુર, લુણાવાડા, કોઠંબા, બાલાસિનોર અને વિરપુર એમ કુલ આઠ તાલુકા પંચાયતોની ૧૫૦ બેઠકોની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે.
ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ફરજ પર જોડાયેલા છે. આ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે પોલીસ અને મતદાન મથકના સ્ટાફે મતદાન કર્યું હતુ અને જિલ્લા કલેકટરશ્રી સુશ્રી અર્પિત સાગરે પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી હતી.
જે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે લુણાવાડા વાઇબ્રન્ટ વેવ્સ સ્કૂલ ખાતે મતદામ મથક ઉભું કરવામાં આવ્યું છે. તેઓશ્રીએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતુ કે, મહીસાગર જિલ્લા ચૂંટણીતંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. આજે મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આપ પણ આપના મતાધિકારનો ૨૬ એપ્રિલના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો.



