MAHISAGARSANTRAMPUR

લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને “નમો સ્વચ્છતા અભિયાન”નો પ્રારંભ

લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને “નમો સ્વચ્છતા અભિયાન”નો પ્રારંભ
****

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…

 

રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી દર્દીઓની આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારો કરવાના ઉમદા હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તા.૦૧ જુલાઈથી ૦૭ જુલાઈ ૨૦૨૬ દરમિયાન “નમો સ્વચ્છતા અભિયાન” સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજરોજ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષ સ્થાને એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગાંધીનગર ખાતેથી માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેનું મહીસાગર ખાતે ઉપસ્થિત મહાનુભાવો, ડોક્ટર્સ અને નાગરિકોએ વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર સરકારી હોસ્પિટલો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેને જન-જન સુધી પહોંચાડી દરેક ગામ, તાલુકા અને શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આ એક વ્યાપક અભિયાન છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના વિઝન મુજબ રાજ્યનો દરેક નાગરિક સ્વચ્છતાના આ ગ્રહમાં જોડાય તે આજના સમયની માંગ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વહીવટી અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં નિયમિત સ્વચ્છતા, કચરાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્ગીકરણ, પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણની જાળવણી જેવા રચનાત્મક કાર્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રોને સ્વચ્છતાના આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને સ્થાનિક નાગરિકોએ જોડાઈને સ્વચ્છતાના આ યજ્ઞમાં સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!