
કાયમી ધોરણે કંઈક ને કંઈક નવી શરૂઆત કરનાર ગામ એટલે કેશોદ તાલુકાનુ અજાબ ગામ.અજાબના સરપંચ મગનભાઈ અઘેરાની સેવાની પ્રવૃત્તિથી સૌ વાકેફ છે ત્યારે અજાબ ગામ વધારે એક નવી વૃક્ષારોપણની શરૂઆત કરી રહ્યું છે. અજાબથી હજારો કિલોમીટર દુર વસતા અજાબના વતન બંધુઓ આજે પણ વતનની માટીની સુગંધ ભુલ્યા નથી અને વિવિધ ક્ષેત્રે ગામને મદદરૂપ થાય છે. અજાબના ચિમનભાઈ દેલવાડીયા જે ઈજનેર છે અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે તેમની ટીમ તરફથી અજાબના તમામ ગ્રામજનોને ઉપયોગી પાણીનું ફિલ્ટર વર્ષો પહેલાં આપેલ તેનો ઉપયોગ અજાબ અને આજુબાજુના ગામના લોકો આજે પણ કરી રહ્યા છે.જયારે અમેરિકામાં જઇખ્યાતનામ કેન્સરના ડોક્ટર ભાણજીભાઈ કુંડારીયાના સહયોગથી મહિલાઓ કેન્સર સામે જાગૃત બને તે માટે વારંવાર અવરનેશ કેમ્પ કરવામાં આવે છે તથા ગામમાં કોઈ પણ ઘરે સોલાર ફીટ કરાવે તેને અગીયાર હજારથી સાત હજારની વિશેષ સહાય આ ચિમનભાઈ ગૃપ તરફથી આપવામાં આવેલ. હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ ગામના દરેક ખેડુતોને ચાર આંબાની કલમ આપવાની શુભ શરૂઆત આજે કરવામાં આવી આ ખર્ચ પણ અમેરીકાનુ ગૃપ આપશે. આજે કલમ વિતરણ કાર્યક્રમ પટેલ સમાજ અજાબ માં યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને જીલ્લા પંચાયત સભ્ય નાનુભાઈ માકડીયા કેશોદથી પધારેલ પ્રોફેસર કૌશિકભાઈ પંડયા, સરપંચ મગનભાઈ અઘેરા તથા આ કામગીરી શંભાળતા અને અમેરિકા ગૃપ સાથે કાયમી સંપર્ક જાળવતા અમુભાઈ વડારીયા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





