GUJARATTHARADVAV-THARAD

ખેડૂતોના હિત માટે જનપ્રતિનિધીની પદયાત્રા: અછવાડાથી પેપર ગામ વામેશ્વર મહાદેવ સુધી 22 કિમીની માનતા યાત્રા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ખેડૂતોના હિત અને વિસ્તારના સર્વાંગી કલ્યાણ માટે થરાદ તાલુકામાં જનપ્રતિનિધિઓએ પદયાત્રાનું આયોજન કર્યું હતું. થરાદના અછવાડા ગામથી પેપર ગામ સ્થિત વામેશ્વર મહાદેવ મંદિર સુધી અંદાજે 22 કિલોમીટરની પદયાત્રા યોજાઈ, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, મોગીલાલ પટેલ, ગુલાબસિંહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પદયાત્રા દરમિયાન મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાભેર આગળ વધેલા યાત્રાળુઓએ પેપર ગામે આવેલા વામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સારા વરસાદ માટે રાખેલી માનતા પૂર્ણ કરી હતી. સાથે જ સમગ્ર વિસ્તારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ ખેડૂતોના જીવનમાં ખુશહાલી આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “ખેડૂતોના હિત અને ન્યાય માટે જરૂર પડશે તો સરકાર સામે પણ લડીશું. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત અવાજ ઉઠાવતાં રહીશું અને તેમના હકોની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.”
યાત્રા દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે એકજૂટ થઈને સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર પદયાત્રા ધાર્મિક આસ્થા, લોકભાગીદારી અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાનું પ્રતીક બની રહી હતી.

Back to top button
error: Content is protected !!