AHAVADANGGUJARAT

સાંસદ ધવલ પટેલે નવસારી-ડાંગ-વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ નુકસાનનો તાગ મેળવ્યો

અમિત શાહ સમક્ષ દક્ષિણ ગુજરાતના પૂર નુકસાનનો અહેવાલ રજૂ : કેન્દ્ર તરફથી સહાયની ખાતરી ખેડૂતો, વેપારીઓ અને પૂરપીડિતોને સરકારનો સંપૂર્ણ સહયોગ મળશે : ધવલ પટેલ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

છેલ્લા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા રાહત-બચાવ અને સમીક્ષા કામગીરી તેજ કરવામાં આવી છે.આ શ્રેણીમાં વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરી હતી.

તેઓએ દક્ષિણ ગુજરાતના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ એવા નવસારી, ડાંગ અને વલસાડમાં પૂરના કારણે થયેલા વ્યાપક નુકસાનનો તાગ મેળવ્યો હતો.પોતાના પ્રવાસ દરમિયાન સાંસદ ધવલ પટેલે સૌથી પહેલાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ સાંભળી હતી અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત કીટોનું વિતરણ કર્યું હતુ.ત્યારબાદ તેઓએ ડાંગ જિલ્લામાં પ્રવાસ કરીને પૂરના કારણે તૂટી ગયેલી પ્રોટેક્શન વોલ, પ્રખ્યાત ગિરા ધોધ/નદી વિસ્તાર, માર્ગો તથા પુલોને થયેલા નુકસાનનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતુ.આ ઉપરાંત, વલસાડ જિલ્લાના કપરાડા, પારડી અને વલસાડ વિધાનસભા ક્ષેત્રોમાં પણ મુલાકાત લઈને નાગરિકો, વેપારીઓ અને ખેડૂતોને સાંત્વના પાઠવી હતી.સાંસદ ધવલ પટેલે મિડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેતરો, દુકાનો અને માળખાકીય સુવિધાઓને થયેલા નુકસાન બદલ સુરત મોડેલની જેમ જ આ ત્રણેય જિલ્લાના પ્રભાવિત લોકોને વળતર ચૂકવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તેઓએ તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને દક્ષિણ ગુજરાતની પૂર પરિસ્થિતિ અને નુકસાન અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને જરૂરી તમામ આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડવામાં આવશે. સંકટની આ ઘડીમાં સરકાર અસરગ્રસ્તોની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી છે.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ ઉષાબેન ધર્મેશભાઈ પટેલ,ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,આગેવાન ધર્મેશભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

Back to top button
error: Content is protected !!