
ઝઘડિયા-સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં ડહોળું પીવાનું પાણી, રોગચાળાની દહેશત વચ્ચે લોકોમાં રોષ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાંથી ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજપૂત ફળિયા, થાણા ફળિયા, ખાડી ફળિયા, સુલતાનપુર, સિનેમા ફળિયા, નવી નગરી, રોહિત વાસ સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી આવી ફરિયાદો સામે આવી રહી છે.
ગ્રામ પંચાયત દ્વારા ‘નલ સે જલ’ યોજના હેઠળ નર્મદાનું પીવાનું પાણી ઘરઘર પહોંચાડવામાં આવે છે. પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન પાણીની લાઇનમાં ક્યાંક લીકેજ અથવા અન્ય ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની આશંકા વચ્ચે કાદવમિશ્રિત અને દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરો સુધી પહોંચતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી આ સમસ્યા યથાવત છે, છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસામાં રોગચાળો ફેલાવાની શક્યતા વચ્ચે આવી સ્થિતિને લઈને લોકોમાં ચિંતા વધી છે.
એક તરફ આરોગ્ય વિભાગ ચોમાસામાં રોગચાળો અટકાવવા માટે સતર્ક બની કામગીરી કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીની ગુણવત્તાને લઈને ઉઠેલા પ્રશ્નો નાગરિકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે.
સ્થાનિકોએ ગ્રામ પંચાયત તંત્રને તાત્કાલિક પાણીની લાઇનની તપાસ કરી લીકેજ દૂર કરવા, પાણીની ગુણવત્તાની ચકાસણી કરવા અને લોકોને શુદ્ધ તથા સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.
હવે જોવાનું એ રહેશે કે ગ્રામ પંચાયત તંત્ર આ રજૂઆતોને કેટલી ગંભીરતાથી લઈને સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવે છે.




