GUJARATKUTCHMUNDRA

ગુજરાત સરકારના જ બે વિભાગો પરીક્ષા બોર્ડ અને પરિવહન નિગમની નીતિઓ વચ્ચે ભીંસાતા બેરોજગાર ઉમેદવારો

ટાટની મુખ્ય પરીક્ષાની તારીખો વારંવાર બદલાતાં કચ્છના પરીક્ષાર્થીઓ આર્થિક લૂંટનો ભોગ બનતા મહિલા મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરએ કરી મુખ્યમંત્રીને રજૂઆત

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

ગુજરાત સરકારના જ બે વિભાગો પરીક્ષા બોર્ડ અને પરિવહન નિગમની નીતિઓ વચ્ચે ભીંસાતા બેરોજગાર ઉમેદવારો
૦૦૦
ટાટની મુખ્ય પરીક્ષાની તારીખો વારંવાર બદલાતાં કચ્છના પરીક્ષાર્થીઓ આર્થિક લૂંટનો ભોગ બનતા મહિલા મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરએ કરી મુખ્યમંત્રીને રજૂઆત

મુંદરા, તા. ૨ ઓગસ્ટ ૨૦૨૬:
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર “શિક્ષક અભિરુચિ કસોટી – ઉચ્ચત્તર માધ્યમિક ૨૦૨૬” ની મુખ્ય પરીક્ષાની તારીખોમાં વારંવાર કરવામાં આવતા ફેરફારોને કારણે કચ્છ અને રાજ્યના દૂર-સુદૂરના વિસ્તારોમાંથી પરીક્ષા આપવા જતા હજારો બેરોજગાર ઉમેદવારો ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયા છે. આ સંદર્ભે કચ્છ-મુંદરાના રતાડીયા સ્થિત ‘જલારામ સખી મંડળ’ના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કર દ્વારા લાખો બેરોજગાર ઉમેદવારો અને તેમના પરિવારજનો વતી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવી તાકીદે યોગ્ય નીતિવિષયક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ અને ઉમેદવારોની વ્યથા?

1. પરીક્ષાની તારીખોમાં સતત ફેરફાર:

ટાટ ઉચ્ચ માધ્યમિક ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા સૌપ્રથમ 19 જુલાઈ 2026ના રોજ યોજાનાર હતી. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ લંબાવીને 2 ઓગસ્ટ 2026 કરવામાં આવી હતી. હવે છેલ્લી ઘડીએ એટલે કે 31 જુલાઈ 2026ની સાંજે પરિપત્ર બહાર પાડીને ભારે વરસાદની આગાહી અને રજૂઆતોનું બહાનું ધરી પરીક્ષાની તારીખ ફરી બદલીને 8 ઓગસ્ટ 2026 કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુખ્ય પરીક્ષા પહેલા લેવાતી પ્રાથમિક (પ્રિલીમ) પરીક્ષામાં પણ એક વખત તારીખ બદલાવીને ૨૯ માર્ચ થી ૧૨ એપ્રિલ ૨૦૨૬ કરવામાં આવી હતી.

2. ગુજરાત પરિવહન નિગમ (એસ.ટી.)ની બુકિંગ નીતિ અને આર્થિક લૂંટ:

કચ્છ જેવા સરહદી અને દૂરના જિલ્લાઓમાંથી અમદાવાદ જેવા કેન્દ્રો પર પરીક્ષા આપવા જતા ઉમેદવારોને એડવાન્સ બસ ટિકિટ બુક કરાવવી પડે છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.)ની નિયમાવલી મુજબ ઓનલાઈન ટિકિટનું રિશેડ્યુલિંગ (તારીખ બદલવી) એક ટિકિટમાં માત્ર એક જ વાર શક્ય છે અને રિશેડ્યુલ થયેલી ટિકિટ રદ કરી રિફંડ મેળવી શકાતું નથી.

3. સરકારી વિભાગોના અસંકલનનો ભોગ બનતા ઉમેદવારો:

પ્રથમ ફેરફાર વખતે ઉમેદવારોએ ટિકિટ 19 જુલાઈમાંથી 2 ઓગસ્ટ માટે રિશેડ્યુલ કરાવી લીધી હતી. પરંતુ અચાનક બોર્ડ દ્વારા 8 ઓગસ્ટની નવી તારીખ જાહેર કરાતાં નિગમની નીતિ મુજબ હવે આ ટિકિટ ફરી રિશેડ્યુલ કે કેન્સલ થઈ શકે તેમ નથી. હેલ્પલાઈન પર સંપર્ક કરતા નિગમ દ્વારા સ્પષ્ટ જણાવાયું કે “હવે બીજી વખત ફરજીયાત મુસાફરી જ કરવી પડે ટિકિટના પૈસા પાછા મળે નહીં.”

રૂપિયા 5,000 થી 7,000 કમાનાર શિક્ષક ઉમેદવાર પર 2,000 થી વધુનો ફટકો:

આવેદનપત્રમાં તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે ખાનગી તેમજ સેલ્ફ-ફાઇનાન્સ શાળાઓ કે કોલેજોમાં શોષણનો ભોગ બની માત્ર પાંચથી સાત હજારના માસિક પગારે નોકરી કરતા ઉમેદવારો કાયમી નોકરી મેળવવાના સ્વપ્ન સાથે આ પરીક્ષા આપી રહ્યા છે. એક તરફ 400 કિલોમીટર દૂર મુસાફરી કરવાનો રોકાવાનો અને જમવાનો ખર્ચ છે જયારે બીજી તરફ સરકારી વિભાગોના અસંકલનને કારણે ટિકિટના હજારો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે.

“રાજ્ય પરીક્ષા બોર્ડ અને રાજ્ય પરિવહન નિગમના અસંકલનને લીધે કોઈ જ વાંક-ગુના વગર બેરોજગાર ઉમેદવારો પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. શું સરકારી વિભાગોની આ મિલીભગતથી ઉમેદવારોને લૂંટવાનો જ કારસો છે?” એવો વેધક પ્રશ્ન બેરોજગાર ઉમેદવારો અને તેમના પરિવારજનો વતી રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કર દ્વારા રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવી તાકીદે યોગ્ય નીતિવિષયક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ મુખ્ય માગણીઓ:

રિશેડ્યુલિંગ હવે નિષ્ફળ: પૂરું રિફંડ જ એકમાત્ર ઉકેલ

આવેદનપત્રમાં મુખ્યત્વે એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે 31 જુલાઈના સાંજે પરીક્ષાની તારીખ બદલીને 2 ઓગસ્ટથી 8 ઓગસ્ટ કરવામાં આવી. હવે જો પરીક્ષાર્થી રિશેડ્યુલની રાહ જુએ તો પછી નવી પરીક્ષા 8 ઓગસ્ટ માટેની ટિકિટ ન મળે. એટલે હવે ટિકિટ રિશીડ્યુલ કરવાને બદલે પરીક્ષાર્થી અગાઉની બસ ટિકિટ અને ટાટ પરીક્ષાની હોલ ટિકિટ રજૂ કરે તો તેમને નિગમ દ્વારા ટિકિટના પૂરેપૂરા નાણાં પરત (રિફંડ) આપવા જઈએ એવી માંગ કરવામાં આવી છે.
મહિલા મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરે જણાવ્યું છે કે રાજ્ય સરકારના જ બે વિભાગો – પરીક્ષા બોર્ડ અને પરિવહન નિગમ વચ્ચેના અસંકલનનો ભોગ રાજ્યનો નિર્દોષ બેરોજગાર યુવાન ન બનવો જોઈએ. સરકારે તાકીદે સંવેદનશીલ અભિગમ દાખવી અગાઉની ટિકિટોનું પૂરું રિફંડ આપવાની જાહેરાત કરવી જોઈએ.
રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રાજ્યના લાખો ઉમેદવારોના હિતમાં સત્વરે યોગ્ય નિર્ણય કરશે એવી માધ્યમ વર્ગના લાખો બેરોજગાર ઉમેદવારો એવા સરકારના ભાવી શિક્ષકો આશ રાખીને બેઠા છે.

 

TAT HS EXAM ST refund

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!