200થી વધુ MPHW કર્મચારીઓની સામૂહિક બદલીથી નવસારી આરોગ્ય તંત્રમાં ખળભળાટ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આગોતરી નોટિસ વિના થયેલી બદલીઓ સામે વાંસદા તાલુકા પંચાયત પ્રમુખની રજૂઆત, નિર્ણય પર પુનર્વિચારની માંગ
નવસારી: નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગમાં 200થી વધુ MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) કર્મચારીઓની આગોતરી નોટિસ વિના કરવામાં આવેલી સામૂહિક બદલીને લઈને વિવાદ ઊભો થયો છે. આ બદલીઓના કારણે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પર પ્રતિકૂળ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ માધુભાઈ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી (DDO), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને લેખિત રજૂઆત કરી બદલીઓના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત કર્મચારીઓની અચાનક બદલી થતાં અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ-સેન્ટરોમાં માનવબળની અછત સર્જાઈ શકે છે, જેના કારણે સામાન્ય જનતાને મળતી આરોગ્ય સેવાઓ ખોરવાવાનો ભય છે. ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની સતત ઉપલબ્ધતા જાળવવી અત્યંત જરૂરી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ખેરગામ તાલુકાના ગૌરી ગામની આશ્રમશાળામાં 20થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. આ ઘટનાના અનુસંધાને પણ આરોગ્ય તંત્રમાં પૂરતા કર્મચારીઓની ઉપલબ્ધતા અને તાત્કાલિક આરોગ્ય સેવાઓની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા થયા હતા.
કૌશિકભાઈ પટેલે રજૂઆતમાં માંગ કરી છે કે કર્મચારીઓની હાલની બદલીઓ રદ કરીને તેમને મૂળ ફરજ સ્થળે પરત મુકવામાં આવે તેમજ ભવિષ્યમાં બદલી પ્રક્રિયા પારદર્શક, ન્યાયસંગત અને કર્મચારીઓ તથા જનહિતને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવે.
આ મુદ્દે આરોગ્ય કર્મચારીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા પંચાયત આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.




