GUJARATKUTCHMANDAVI

કચ્છમાં ‘માસ્તર વિનાનું ભણતર’: શિક્ષણની કફોડી હાલત અને અલગ કચ્છ દેશની ઉગ્ર માંગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા. 6: ગુજરાત રાજ્યના સૌથી મોટા સરહદી જિલ્લા કચ્છમાં શિક્ષણની કથળતી જતી પરિસ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભયાવહ ઘટ અને સરકારની ભરતી નીતિઓ સામે સ્થાનિક બેરોજગાર ઉમેદવારો અને જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. “ભાર વિનાના ભણતર”ના સૂત્ર સામે કચ્છમાં “માસ્તર વિનાનું ભણતર”ની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, જેના કારણે બાળકોના ભવિષ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે.તાજેતરમાં ઉચ્ચતર માધ્યમિક શાળા માટે પસંદ કરાયેલા 51 શિક્ષકોએ નિમણૂક લેવાનો ઇનકાર કરતા શિક્ષકોની અછત વધુ ગંભીર બની છે. આ પરિસ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે ધોરણ 1 થી 10 માટેની ભરતી હજુ બાકી છે. કચ્છના બેરોજગાર ઉમેદવારોનું ટાટ ગ્રુપ છેલ્લા ઘણા સમયથી કચ્છી ઉમેદવારોને ભરતીમાં અગ્રતા આપવાની માંગ કરી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી છે.શિક્ષકોની અછત: એક વર્ષો જૂની સમસ્યા કચ્છ, ભૌગોલિક રીતે ભારતનો સૌથી મોટો અને સંવેદનશીલ સરહદી જિલ્લો હોવા છતાં, અહીં શિક્ષકોની ઘટ આજકાલની સમસ્યા નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી કફોડી પરિસ્થિતિ છે. રાજ્ય સરકારની “નિમણૂક ત્યાં નિવૃત્તિ” સુધીની નીતિનો ઉદ્દેશ્ય શિક્ષકોને લાંબા સમય સુધી સેવા આપવા અને શિક્ષણમાં સ્થિરતા લાવવાનો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.સ્થાનિક ઉમેદવારોની મુખ્ય માંગણીઓ : કચ્છી ઉમેદવારોને અગ્રતા: ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલા કચ્છના રહેવાસી ઉમેદવારોને ભરતીમાં પ્રાધાન્ય આપવામાં આવે. વય મર્યાદામાં છૂટછાટ: 2012, 2014, 2018 અને 2023 માં પાસ થયેલા તમામ ઉમેદવારોને અરજી કરવા લાયક ગણી, અગાઉના વર્ષોમાં પાસ થયેલા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે. નિયમિત પરીક્ષા: નેટ જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ દર છ મહિને લેવાતી હોય તો પાયાના શિક્ષણ માટેની ટેટ/ટાટ પરીક્ષાઓ પાંચ વર્ષના લાંબા ગાળે શા માટે લેવાય છે તે એક મોટો પ્રશ્ન છે. આ પરીક્ષાઓ નિયમિતપણે લેવાય તેવી માંગણી છે.સ્થાનિક અધિકારીઓ: જિલ્લાના શિક્ષણ ખાતાના અધિકારીઓ કચ્છી હોય તેવી બેરોજગાર ઉમેદવારોની ઈચ્છા છે, જેથી તેઓ કચ્છની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકે.કચ્છી બોલી જાણતા શિક્ષકો: ધોરણ 1 થી 12નો અભ્યાસ કચ્છમાં કર્યો હોય અને કચ્છી બોલી સારી રીતે સમજતા અને બોલતા હોય તેવા ઉમેદવારોની નિમણૂક થાય, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સુમેળ સાધી શકાય.સરહદી ગામડાઓમાં શિક્ષણનો અભાવ અને પલાયનવાદ : તાજેતરમાં એક ગામમાં ધોરણ 11ની સુવિધા ન હોવાને કારણે સરહદી ગામડાના બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિ રાષ્ટ્રહિત માટે પણ ગંભીર છે, કારણ કે તેનાથી સરહદી વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત રહી પલાયનવાદનો ભોગ બની શકે છે.

અલગ કચ્છ દેશની ઉગ્ર માંગ : શિક્ષણ સહિતની મૂળભૂત સમસ્યાઓના કાયમી નિરાકરણ ન આવતા, હવે બેરોજગાર ઉમેદવારો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને કચ્છની જનતામાં “અલગ કચ્છ દેશ”નો દરજ્જો આપવાની ઉગ્ર માંગ ઉઠી છે. તેમનું માનવું છે કે, જો રાજ્ય સરકાર સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીતિઓમાં ફેરફાર નહીં કરી શકે, તો કચ્છને અલગ દેશનો દરજ્જો આપવો એ જ એકમાત્ર ઉપાય છે.

આ માંગણી પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છના પ્રદેશ કરતા દસમા ભાગનો વિસ્તાર ધરાવતા દેશો વિશ્વમાં અસ્તિત્વમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ પ્રત્યેની કૂણી લાગણી અને ગૌતમ અદાણી જેવા વૈશ્વિક ઉદ્યોગપતિઓની ક્ષમતાને જોતા, કચ્છને સ્વતંત્ર દેશનો દરજ્જો આપવાથી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે તેવું લોકોનું માનવું છે. “માત્ર સુરજબારી પુલથી કચ્છનો સંપર્ક અલગ કરવાની જરૂર છે” તેવું લોકો કહી રહ્યા છે. જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે, તો “કચ્છમાં પણ એક ગાંધીનો જન્મ થવાનો સમય પાકી ગયો છે” તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે.આથી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ગંભીર મુદ્દે તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી કચ્છની જનતા આશા રાખી રહી છે.

Back to top button
error: Content is protected !!