Rajkot: ડિસ્ટ્રીક્ટ આયુષ અને હેલ્થ સોસાયટીની બેઠક યોજાઈ
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ આયુર્વેદ અંગે જનજાગૃતિ લાવવા અને વિવિધ રોગોના નિદાન-સારવાર અંગે સૂચના આપી
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતા અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટી અને ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ આયુર્વેદ અંગે જનજાગૃતિ લાવવા અને વિવિધ રોગોના નિદાન-સારવાર અંગે સૂચના આપી હતી.
રાજકોટ ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની બેઠકમાં કલેક્ટરશ્રીએ બાળકોની ઉધરસ માટે આયુર્વેદિક દવાઓ, આયુર્વેદિક પદ્ધતિથી સારવાર, આયુષ મિશનની વિવિધ કામગીરી તથા નિર્માણ પામનારા આયુર્વેદ મંદિરો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આયુર્વેદ મંદિરોની ગ્રાન્ટ, મહેકમ અને બાંધકામ, દવાઓનો સ્ટોક વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આયુર્વેદ શાખાના અધિકારીએ ‘ડિસ્ટ્રિક્ટ એક્શન એન્યુઅલ પ્લાન ૨૦૨૫-‘૨૬’ રજૂ કર્યો હતો. જસદણમાં આયુર્વેદ હોસ્પિટલના નિર્માણની મંજૂરી, આયુર્વિદ્યા અને આયુષગ્રામ પ્રોજેક્ટો, જનજાગૃતિ શિબિર અને શાળા મુલાકાત વિશે સૂચનો આપ્યા હતાં. તેમજ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અંગે જાગૃતિ ફેલાવવા સોશિયલ મીડિયામાં પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત, ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠકમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જાન્યુઆરીથી એપ્રિલ માસ દરમિયાન ક્ષય રોગના કેસો, નેશનલ લેપ્રસી એલીમીનેશન પ્રોગ્રામ ઇન્ડીકેટર્સ, વાત્સાયન કેન્દ્ર અને મમતા દવાખાના, તાલુકા પ્રમાણે વિવિધ રોગોના ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસ અને વેરી હાઈ રિસ્ક પ્રેગ્નેટ વુમન ડિલિવરીના અહેવાલોની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફૂલમાળી, ડી.એમ.ઓ.શ્રી જી. પી. ઉપાધ્યાય, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ઘનશ્યામભાઈ મહેતા સહિત આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, એઈમ્સ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.