
વિજાપુર તાતોસણ ગામે ખેતરમાં ટ્રેક્ટરમાં આગ ભભૂકી ઉઠી
વાયરિંગમાં સ્પાર્ક થતાં રૂ.5, લાખનું આઈશર ટ્રેક્ટર બળીને ખાક

ફાયર ટીમે કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં લીધી, જાનહાની ટળી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના તાતોસણ ગામે ખેતર ખેડતા સમયે ટ્રેક્ટરમાં અચાનક આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનામાં ખેડૂત ગોવાભાઈ ઉર્ફે ગોવિંદભાઈ મનોરભાઈ ચૌધરીનું આશરે રૂ.5, લાખ કિંમતનું આઈશર કંપનીનું ટ્રેક્ટર બળીને ખાક થઈ ગયું હતું. જોકે સમયસૂચકતા દાખવાતા કોઈ જાનહાની થઈ નહોતી.
પ્રાપ્ત વિગતો અનુસાર તાતોસણ ગામે ખેતરમાં ખેડાણ દરમિયાન ટ્રેક્ટરના મશીનના વાયરિંગમાં અચાનક સ્પાર્ક થયો હતો. જોતા જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખું ટ્રેક્ટર આગની લપેટમાં આવી ગયું હતું. આગની ઊંચી જવાળાઓને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
બનાવ અંગે નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રસિંહ પરમારના મુકેશભાઈ જે. ચૌધરીએ પાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરતા ફાયર વિભાગના રાજનભાઈ તથા તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી કલાકો બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
ખેતર ખુલ્લું અને ખેડાયેલું હોવાથી કોઈ પાકને નુકસાન થયું નહોતું. તેમજ ટ્રેક્ટર ચલાવતા ડ્રાયવરે સમયસૂચકતા દાખવતા પોતાનો બચાવ કરી લેતા જાનહાની ટળી હતી. જોકે આગની ઘટનામાં રૂ.5, લાખનું આઈશર ટ્રેક્ટર સંપૂર્ણ બળી જતા ખેડૂતને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.




