MEHSANAVISNAGAR

આદર્શ વિદ્યાલય, વિસનગરના અમૃત મહોત્સવ-2023 અંતર્ગત “પૂર્વ વિદ્યાર્થી મહાસંમેલન” કાર્યક્રમ યોજાયો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના અમૃત મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલમાં પૂર્વ વિદ્યાર્થી મહાસંમેલન “આદર્શ તને સાંભરે… મને કેમ વિસરે….” કાર્યક્રમ તા- 13/01/2024 ના રોજ યોજાયો.
આ સમારંભના અધ્યક્ષ તરીકે મા. શ્રી વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રી, ગુજરાત રાજ્ય તથા અધ્યક્ષશ્રી, આદર્શ અમૃત મહોત્સવ સમિતિ), મુખ્ય મહેમાન તરીકે મા. શ્રી ડૉ.રોહિતભાઈ દેસાઈ (કુલપતિશ્રી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજ. યુનિ. પાટણ), મા. શ્રી માનસિંહભાઈ ડી.ચૌધરી (મહામંત્રીશ્રી, અખિલ આંજણા મહાસભા મા.આબુ), અતિથિ વિશેષ તરીકે મા. શ્રી સવજીભાઈ ચૌધરી (પૂર્વ મેનેજીંગ ડિરેક્ટર, સુમુલ ડેરી, સુરત), મા. શ્રી હરિભાઈ દેસાઈ (વરિષ્ઠ પત્રકાર, અમદાવાદ), મા. શ્રી બળવંતભાઈ ચૌધરી (પૂર્વ પ્રિન્સિપાલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ), મા. શ્રી સી.કે.પટેલ (વરિષ્ઠ એડવોકેટ તથા પૂર્વ ચેરમેન, ગુજરાત બાર કાઉન્સીલ, અમદાવાદ), મા. શ્રી માંઘીલાલ પી.પટેલ (ચેરમેન, જિ.શિ.સમિતિ, પાલનપુર- બનાસકાંઠા), મા. ડૉ. રીટાબેન પટેલ (પ્રમુખ મહિલા વીંગ, અખિલ આંજણા મહાસભા,મા. આબુ), મા. શ્રી રેખાબેન ચૌધરી (પૂર્વ ચેરમેન, જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા) તથા સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, વડીલો અને બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના કરકમલો વડે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરીએ મહાનુભાવોનો પરિચય તથા શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખાની ઝાંખી રજૂ કરી હતી. ત્યારબાદ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ દ્રારા મહાનુભાવોનું શાલ તથા બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ આદર્શ વિદ્યાલયની વિકાસગાથા રજૂ કરી વર્ષો પહેલા આદર્શ વિદ્યાલયનું નિર્માણ કરનાર વડીલોની દીર્ધદૃષ્ટિને બિરદાવી હતી.
સમારંભના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં “સમાજ વિકાસથી રાષ્ટ્ર વિકાસ” એ ઉક્તિને સાર્થક કરવા માટે શિક્ષણ એ ઉત્તમ માધ્યમ છે એ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી સમાજ અને સમયની જરૂરિયાત પ્રમાણે ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી યુવાનો રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં સહભાગી બને તે માટે સુવિધાસભર બનાનાર નવીન ભવનો માટે ઉદાર હાથે દાન કરી સંસ્થાની વિકાસ યાત્રામાં સહભાગી બનવા સમાજના શ્રેષ્ઠીશ્રીઓને અને દાતાશ્રીઓને પ્રેરણા આપી હતી.
સમારંભના અન્ય મહાનુભાવોએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ આપતી સંસ્થાઓમાં આપવામાં આવતા દાનનો મહિમા વર્ણવીને આદર્શ વિદ્યાલયે મનુષ્યના જીવન ઘડતરમાં તથા પ્રગતિના સોપાન સર કરવામાં અદા કરે ભૂમિકાને બિરદાવી હતી.
આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ આ સંસ્થા દ્વારા ઉચ્ચત્તમ કેળવણી મેળવી પોતાના જીવન ઘડતરમાં પાથરેલ પ્રકાશને યાદ કરી સંસ્થાના સંસ્મરણોને વાચા આપી હતી.
આજના સમારંભમાં સંસ્થાના “અમૃત મહોત્સવ-2023” અંતર્ગત નિર્માણ પામનાર નવીન ભવનો માટે દાતાશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ તરફથી ઉદાર હાથે એક કરોડ આઠ લાખ જેટલી માતબર રકમના દાનની સરવાણી કરવામાં આવી હતી. જેમનું મહાનુભાવો તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે યથા યોગ્ય દાન કર્યું હતું. જેમનો કેળવણી મંડળે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ખેલકૂદ, શિક્ષણ ક્ષેત્રે કે અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિ ક્ષેત્રે રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના વરદ્ હસ્તે શાલ, બુકે તથા બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાથે દાનનો મહિમા રજૂ કરતી નાટિકા, ગુજરાતની સંસ્કૃતિ રજૂ કરતો ગરબો, નૃત્ય વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોએ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને અભિભૂત કર્યા હતા.
અંતમાં આભારવિધિ શાળાના આચાર્યશ્રીએ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઈઝરશ્રી એલ.જી.ચૌધરી, શિક્ષિકા શ્રીમતિ કોકિલાબેન ચૌધરીએ કર્યુ હતુ. સૌ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!