
વિજાપુર હઝરત સુલતાન શાહ બાવા દરગાહના ગાદીપતિ હઝરત સૈયદ આમીન અલી શાહ મલંગ ઉમરાહ માટે રવાના
વિદાય કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટાવર ચોક ખાતે આવેલ તકિયાવાળી ગાદી હઝરત સુલતાન શાહ બાવા દરગાહના ગાદીપતિ હઝરત સૈયદ આમીન અલી શાહ મલંગ બાવા ઉમરાહ માટે રવાના થતા દરગાહ ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત વિજાપુરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદાય કાર્યક્રમમાં વિવિધ રાજકીય આગેવાનો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગાંધીનગરના પૂર્વ મેયર યુસુફ ખાન પઠાણ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હઝરત સૈયદ આમીન અલી શાહ મલંગ બાવાને ઉમરાહ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે દરગાહ ખાતે ધાર્મિક માહોલ વચ્ચે અનુયાયીઓએ ગાદીપતિના આશીર્વાદ લીધા હતા. બાદમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હઝરત સૈયદ આમીન અલી શાહ મલંગ બાવાએ ઉમરાહ દરમિયાન ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં અમન, શાંતિ, ભાઈચારો અને સદભાવના જળવાઈ રહે તે માટે દુઆ કરવા ઉપસ્થિત સૌને જણાવ્યું હતું. વિદાય કાર્યક્રમમાં કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.





