
વિજાપુર ના ખરોડ ગામની સીમમાં એસઓજીનો દરોડો: રૂ. 19.76 લાખના 39.53 કિલો ગાંજાના છોડ સાથે ખેડૂત ઝડપાયો
વિજાપુર, તા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ નશીલા પદાર્થો સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી વિજાપુર ના લાડોલ પોલીસ મથક વિસ્તારના ખરોડ ગામની સીમમાંથી ગાંજાના છોડનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે 39.530 કિલોગ્રામ વજનના ગાંજાના છોડ, જેની કિંમત રૂ. 19,76,500 થાય છે, તે કબજે કરી એક ઇસમની ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નશીલા માદક દ્રવ્યોના વેપાર અને વાવેતર સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર યોગરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.
એસઓજીને બાતમી મળી હતી કે ખરોડ ગામની માધુપુરા સીમમાં એક ખેડૂતે પોતાના કબજાના મકાન પાછળ આવેલા ખેતરના શેઢા પર ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. બાતમીના આધારે પંચોની હાજરીમાં દરોડો પાડતાં ચૌહાણ (ઠાકોર) રામસિંહ સરતાનસિંહ સદુસિંહ (ઉં.વ. 48), રહે. ખરોડ (માધુપુરા-રાણીયાપુરા), તા. વિજાપુરના કબજામાંથી ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી ગાંજાના છોડ કબજે કરી આરોપીની અટકાયત કરી છે. આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાડોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ કરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કાર્યવાહી એસઓજી મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર યોગરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી. વાઘેલા, પીએસઆઈ એમ.ડી. ડાભી સહિતની ટીમે પાર પાડી હતી. પોલીસે જિલ્લામાં નશીલા પદાર્થોના ઉત્પાદન અને વેપાર સામે કડક કાર્યવાહી યથાવત્ રાખવાની ખાતરી વ્યક્ત કરી છે.





