
કપાસના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ અંગે 150 ખેડૂતોને માર્ગદર્શન
જંત્રાલ ગામે યોજાયેલી તાલીમમાં વિજાપુર-વડનગર તાલુકાના 23 ગામોના ખેડૂતો જોડાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જંત્રાલ ગામે ઉમિયા માતા ના મંદિર ખાતે કપાસના પાકમાં રોગ અને જીવાતના પ્રકોપથી થતું નુકસાન અટકાવી ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા માટે માર્ગદર્શન મળે તે હેતુથી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા BCI પ્રોજેક્ટ અંતર્ગત તથા LDC સંસ્થાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિજાપુર અને વડનગર તાલુકાના 23 ગામોમાંથી કુલ 150 ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન કપાસના પાકમાં આવતા વિવિધ રોગો અને જીવાતોની ઓળખ, તેના પ્રકોપથી થતું નુકસાન તથા તેના અસરકારક નિયંત્રણ અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પાકમાં સમયસર રોગ-જીવાતની ઓળખ કરી યોગ્ય વ્યવસ્થાપન અપનાવવામાં આવે તો ખેતી ખર્ચમાં ઘટાડો કરી ઉત્પાદન અને ગુણવત્તા જાળવી શકાય તે અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં 15 બહેનો સહિત 135 ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાતો દ્વારા ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેમને ખેતીને લગતું ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમને કારણે ખેડૂતોમાં કપાસના પાકના સંરક્ષણ અંગે જાગૃતિ વધવાની સાથે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવાનો સંદેશ પણ પહોંચ્યો હતો.
આ પ્રસંગે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થાના રાજેન્દ્રભાઈ પટેલ, દીપકભાઈ રાવલ, ઈનાયતભાઈ, હેમાંગીબેન તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. LDC સંસ્થા તરફથી સતીશભાઈ તથા વિપુલભાઈ પ્રજાપતિ (ગામ સેવક) પણ હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિઓએ ખેડૂતોને સતત માર્ગદર્શન અને સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ખેડૂતોમાં સમયસર રોગ-જીવાતની ઓળખ અને યોગ્ય નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે યોજાયેલ આ તાલીમ કાર્યક્રમ સફળ રહ્યો હતો.



