
પિલવાઈની શેઠ જી.સી. હાઈસ્કૂલના 100મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
પૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સાથે પ્રતિમાઓ અને શતાબ્દી સ્મારક સ્તંભનું અનાવરણ, શિક્ષણ ક્ષેત્રે સદીની ગૌરવયાત્રાને કરાયો વંદન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામ સ્થિત શેઠ ગિરધરલાલ–ચુનીલાલ હાઈસ્કૂલ દ્વારા શાળાના 100મા ઐતિહાસિક સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિદ્યાસંકુલ ઉત્સવી માહોલમાં રંગાઈ ગયું હતું. મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષણપ્રેમીઓ, ગામજનો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહની અધ્યક્ષતા સુશ્રી સોનલબેન અમિતભાઈ શાહે કરી હતી, જ્યારે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના આશીર્વચનથી કાર્યક્રમને આધ્યાત્મિક સ્પર્શ મળ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા, માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ, દૂધસાગર ડેરી તથા અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, વીની કોસ્મેટિક્સ પ્રા. લિ.ના ચેરમેન દર્શન પટેલ તેમજ મહેસાણા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી બિપિનચંદ્ર એન. પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
વક્તાઓએ શેઠ જી.સી. હાઈસ્કૂલની સદી લાંબી શૈક્ષણિક પરંપરા, સમાજને આપેલા યોગદાન અને પૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી હતી. સાથે જ આગામી સમયમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા નવી પેઢીના ઘડતર માટે શાળા સતત કાર્યરત રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં યોજાયેલા પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલનમાં વર્ષો બાદ મળેલા વિદ્યાર્થીઓએ જૂની યાદો તાજી કરી હતી. સમગ્ર સમારોહ ભાવુક અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. અંતે શેઠ ગિરધરલાલ–ચુનીલાલ હાઈસ્કૂલ ટ્રસ્ટ અને શાળા પરિવારે ઉપસ્થિત મહાનુભાવો તથા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.







