
વિજાપુરના મહાદેવપુરા (ગવાડા) આયુષ્માન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળ્યું
87.78 ગુણ સાથે 12 પ્રકારની આરોગ્ય સેવાઓમાં ગુણવત્તાની રાષ્ટ્રીય સ્તરે નોંધ; દિલ્હીની ટીમે વર્ચ્યુઅલ એસેસમેન્ટ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ગવાડા) ગામ સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિર (સબ સેન્ટર)ને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) હેઠળ નેશનલ લેવલ ક્વોલિટી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. દિલ્હીની ટીમ દ્વારા કરવામાં આવેલા વર્ચ્યુઅલ એસેસમેન્ટમાં કેન્દ્રે 87.78 ગુણ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે.
એક માસ અગાઉ નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC), નવી દિલ્હીની ટીમના ડૉ. શિખા ગર્ગ અને મનિન્દર કૌરે વિડિયો કોલ મારફતે આરોગ્ય કેન્દ્રનું વર્ચ્યુઅલ મૂલ્યાંકન કર્યું હતું. આ દરમિયાન દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, રેકોર્ડ જાળવણી, સ્વચ્છતા, દવાઓની ઉપલબ્ધતા તેમજ વિવિધ આરોગ્ય કાર્યક્રમોના અસરકારક અમલીકરણનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
એસેસમેન્ટમાં આયુષ્માન આરોગ્ય મંદિર મહાદેવપુરા (ગવાડા)એ 12 પ્રકારની વિવિધ આરોગ્ય સેવાઓમાં કુલ 87.78 ગુણ પ્રાપ્ત કરીને NQAS ક્વોલિટી સર્ટિફિકેશન મેળવ્યું છે.
આ સિદ્ધિ બદલ આરોગ્ય વિભાગે આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), ફિમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (MPHW) સહિત સમગ્ર આરોગ્ય ટીમના કાર્યની પ્રશંસા કરી છે. સાથે જ ગામના સરપંચશ્રી અને ગ્રામજનોના સહયોગને પણ આ સફળતાનું મહત્વપૂર્ણ કારણ ગણાવાયું છે.
આ સિદ્ધિથી મહાદેવપુરા (ગવાડા) આયુષ્માન આરોગ્ય મંદિર ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ માટે વિજાપુર તાલુકા તેમજ મહેસાણા જિલ્લામાં ગૌરવનું કેન્દ્ર બન્યું છે.




