GCERTના નિવૃત્ત રાજ્ય ગણિત કન્વિનર ડૉ. વિજયભાઈ પટેલનું ભવ્ય ગૌરવ સન્માન
૩૪ વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપ્યું અમૂલ્ય માર્ગદર્શન

GCERTના નિવૃત્ત રાજ્ય ગણિત કન્વિનર ડૉ. વિજયભાઈ પટેલનું ભવ્ય ગૌરવ સન્માન
૩૪ વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપ્યું અમૂલ્ય માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સેવા, સમર્પણ, નિષ્ઠા અને જ્ઞાનના અવિરત પ્રવાહ સમાન ગણાતા GCERT, ગાંધીનગરના નિવૃત્ત રાજ્ય ગણિત કન્વિનર ડૉ. વિજયભાઈ પટેલની દીર્ઘકાલીન અને અમૂલ્ય શૈક્ષણિક સેવાઓને બિરદાવવા વડતાલ મુકામે હરિકૃષ્ણ યાત્રિક ભુવન ખાતે ભાવભર્યો “નિવૃત્તિ વંદના અને ગૌરવ સન્માન” કાર્યક્રમ યોજાયો હતો.
ડૉ. વિજયભાઈ પટેલે ૩૪ વર્ષની ઉજ્જવળ કારકિર્દી દરમિયાન હાઈસ્કૂલ શિક્ષકથી શરૂઆત કરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ) વડોદરા તેમજ GCERT, ગાંધીનગર ખાતે વહીવટી અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી. છેલ્લા ૨૨ વર્ષથી GCERTમાં ફરજ બજાવતા તેમણે રાજ્યભરમાં વિજ્ઞાન અને ગણિત શિક્ષણના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
તેમના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનો, પાઠ્યપુસ્તકોનું નિર્માણ, શૈક્ષણિક સાહિત્ય અને ઈ-સામગ્રી તૈયાર કરવાનું કાર્ય, સ્ટેટ રિસોર્સ ગ્રુપ (SRG)ની રચના, શિક્ષક તાલીમ, ઇનોવેશન અને વિવિધ રાજ્યસ્તરીય શૈક્ષણિક કાર્યક્રમોના સફળ અમલીકરણ જેવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. તેમણે ગણિત અને વિજ્ઞાન વિષયને સરળ, રસપ્રદ અને જીવનલક્ષી બનાવી રાજ્યના લાખો વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં નવી વિચારધારા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો સંચાર કર્યો હતો.
ડાયટ કઠલાલના સહયોગથી તથા રાજ્ય SRG ગણિત-વિજ્ઞાન પરિવારના આયોજન હેઠળ યોજાયેલા સન્માન સમારોહમાં ડૉ. વિજયભાઈ પટેલનું શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્ય SRG ગણિત પરિવાર દ્વારા તેમના નિવૃત્તિ બાદના જીવન માટે સુખમય, સ્વસ્થ, સમૃદ્ધ અને દીર્ઘાયુષ્યપૂર્ણ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમમાં ડાયટ કઠલાલના ગણિત વિભાગના અધ્યાપક એમ. એ. શેખે ડૉ. વિજયભાઈ પટેલનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ડાયટ કઠલાલના પ્રાચાર્ય ડૉ. કલ્પેશભાઈ પટેલ, ડાયટ સુરતના પ્રાચાર્ય હિરેનભાઈ વ્યાસ, GCERTના રિસોર્સ એસોસિયેટ ડૉ. નીતિનભાઈ દલવાડી, શિક્ષણવિદ્ ડી. આર. પટેલ, આર. એલ. જીતપુરા, વિરાગ ગરાલા, એચ. કે. પટેલ, શીખાબેન, ટ્વિન્કલબેન સહિત રાજ્યભરના ડાયટના અધ્યાપકો, SRGના સભ્યો અને શિક્ષણજગતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ. વિજયભાઈ પટેલના શિક્ષણક્ષેત્રે આપેલા અદ્વિતીય અને અવિસ્મરણીય યોગદાનને યાદ કરી તેમના સંસ્મરણો વહેંચ્યા હતા અને ભાવભીની શુભકામનાઓ પાઠવી હતી.



