
વિજાપુરમાં મોહરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, તાજિયા અને ઝુલ્ફીકારના જુલૂસે શહેરમાં ધાર્મિક માહોલ સર્જ્યો


ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન (અ.સ.) તથા કરબલાના 72 શહીદોની યાદમાં મનાવવામાં આવતા પવિત્ર મોહરમ પર્વની વિજાપુર શહેરમાં ધાર્મિક શ્રદ્ધા, અકીદત અને ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ નિમિત્તે શહેરમાં નીકળેલા તાજિયા અને ઝુલ્ફીકારના ભવ્ય જુલૂસે લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
મોહરમના દિવસોમાં શહેરના કસ્બા મસ્જિદ, મોમનવાડા મસ્જિદ તથા કસાઈવાડા મસ્જિદ ખાતેથી પરંપરાગત રીતે તૈયાર કરાયેલા તાજિયાઓના જુલૂસો નીકળ્યા હતા. હુસેની ચોક ખાતે વિવિધ તાજિયાઓ એકત્ર થયા બાદ હૈદરી ચોકમાંથી ઝુલ્ફીકારનું જુલૂસ નીકળીને જોડાયું હતું. ત્યારબાદ તાજિયા અને ઝુલ્ફીકાર સાથેનું ભવ્ય જુલૂસ શહેરના સાંથ બજાર, ઉંડી શેરી, સૈયદવાડા, વ્હોરવાડ, અશરફી ચોક, સુથારવાડો, દોશીવાડો, વૈધનો માઢ, ચીસ્તીવાડો, કસાઈવાડા સહિતના વિસ્તારોમાં ફેરવવામાં આવ્યું હતું.આ જુલૂસમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ઠેરઠેર ન્યાઝ અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં એકતા અને ભાઈચારાનો સંદેશ પ્રસરી ગયો હતો. રફાઈ ગાદી તરફથી આઠમા દિવસે અલમ શરીફનું જુલૂસ પણ નીકળ્યું હતું, જે વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. યૌમે આશૂરાના અવસરે શહેરની મસ્જિદોમાં વિશેષ નફિલ નમાજ અદા કરવામાં આવી હતી તેમજ કરબલાના શહીદોએ ઇસ્લામના સિદ્ધાંતો, સત્ય અને ન્યાય માટે આપેલી મહાન કુરબાનીને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મોહરમના દસ દિવસ દરમિયાન વિવિધ મસ્જિદોમાં વાઅઝ, બયાન અને ધાર્મિક કથાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉલેમાઓએ કરબલાની ઘટના માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે સત્ય, ત્યાગ, ધૈર્ય અને ન્યાયનું પ્રતિક હોવાનું જણાવ્યું હતું.
મોહરમ પર્વની ઉજવણી દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં સર્વધર્મ સમભાવ અને સામાજિક એકતાની ભાવના સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી.



