
ભાવસોર પાસે એસઓજીનો દરોડો: 12.40 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે એક ઝડપાયો, સપ્લાયર ફરાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા એસઓજીની ટીમે વિજાપુર તાલુકાના ભાવસોર ગામની સીમમાં લાડોલ રોડ નજીક દરોડો પાડી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી અંદાજે 12.40 કિલો હાઇબ્રિડ ગાંજો, એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 48,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર હોવાનું સામે આવેલા અન્ય શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ મહેસાણા એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી સરકારી પંચોની હાજરીમાં ભાવસોર ગામની સીમમાં જોગણી માતાના મંદિર નજીક રાયણના ઝાડ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી વિનોદભાઈ ચમનભાઈ વિઠ્ઠલદાસ પટેલ (ઉ.વ. 38), રહે. મહાદેવપુરા, તા. વિજાપુરને ગેરકાયદેસર રીતે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખેલો હોવાના આરોપસર ઝડપી લેવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી અંદાજે 12.40 કિલો હાઇબ્રિડ ગાંજો (કિંમત રૂ. 43,400), એક મોબાઇલ ફોન (રૂ. 5,000) તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂ. 48,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીએ ગાંજાનો જથ્થો કાર્તિક ઉર્ફે ગટીયો પાસેથી મેળવ્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે દરોડા સમયે તે સ્થળ પરથી મળી આવ્યો ન હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. ડાભીની ફરિયાદના આધારે એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.




