વિજાપુર તાલુકા હેલ્થ કચેરી ખાતેથી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન

વિજાપુર તાલુકા હેલ્થ કચેરી ખાતેથી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા હેલ્થ કચેરી ખાતેથી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મેલેરિયા શાખા મહેસાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં “જન સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાત્રોને ચકાસીએ, સાફ કરીએ અને ઢાંકી ને રાખીએ” થીમ આધારિત લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલી રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ, એમ.પી.હેલ્થ વર્કર ભાઈઓ, સુપરવાઈઝર સ્ટાફ, સી.એચ.ઓ. તેમજ ફીમેલ હેલ્થ વર્કર બહેનો જોડાયા હતા.
આ રેલી સરકારી દવાખાનાથી પ્રસ્થાન કરી તાલુકા પંચાયત, ખત્રી કુવા અને નગરપાલિકા કચેરી સહિતના વિસ્તારોમાં ફરી હતી. દરમિયાન ડેન્ગ્યુ અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ પ્લે કાર્ડ અને બેનર દ્વારા લોકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સભાખંડમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિતોને મચ્છરના જીવનચક્ર વિશે સમજ આપવામાં આવી હતી તેમજ ઘરો અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી.


