MEHSANAVIJAPUR

અકસ્માત નહીં, હત્યા હતી…! વિજાપુર પોલીસે ઉકેલ્યો સનસનાટીભર્યો ભેદ પતિની હત્યા કરાવવા માસીએ ભાણેજાને આપી સોપારી, પુત્રી પણ કાવતરામાં સામેલ; ત્રણ આરોપીઓ ઝડપાયા

અકસ્માત નહીં, હત્યા હતી…! વિજાપુર પોલીસે ઉકેલ્યો સનસનાટીભર્યો ભેદ
પતિની હત્યા કરાવવા માસીએ ભાણેજાને આપી સોપારી, પુત્રી પણ કાવતરામાં સામેલ; ત્રણ આરોપીઓ ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માત તરીકે નોંધાયેલા એક બનાવ પાછળ પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું છુપાયેલું હોવાનું બહાર આવતાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્ત માહિતીના આધારે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી અકસ્માતને હત્યામાં ફેરવતા કાવતરાનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ તપાસ મુજબ આનંદપુરા ગામની રહેવાસી રીટાબેન પટેલે પોતાના પતિ વિનોદભાઈ પટેલ સાથેના પારિવારિક વિવાદ અને શંકાના કારણે તેમની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે પોતાના ભાણેજા વિમલકુમાર રોહિતભાઈ પટેલને પૈસાની લાલચ આપી તૈયાર કર્યો હતો. કાવતરામાં રીટાબેનની પુત્રી શ્રદ્ધાબેન પણ સામેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આરોપી વિમલકુમારે બ્રેઝા કારમાં વિનોદભાઈ પટેલની હિલચાલ પર નજર રાખી હતી. ઘટનાના દિવસે વિનોદભાઈ એક્ટિવા પર નીકળતા તેમનો પીછો કરી આનંદપુરા નજીક પાછળથી જોરદાર ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, જેથી બનાવ અકસ્માત હોવાનું જણાય. જોકે પોલીસે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
આ બનાવમાં અકસ્માતનો ખપ આપી હત્યાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિજાપુર પોલીસે ઝડપભેર તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલતા પોલીસ વિભાગની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિજાપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચૌહાણ અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Back to top button
error: Content is protected !!