MEHSANAVIJAPUR

વિજાપુર પટવા વાડ ની બે વર્ષની અમાયરા વ્હોરાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું

વિજાપુર પટવા વાડ ની બે વર્ષની અમાયરા વ્હોરાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના પટવાવાડ વિસ્તારમાં રહેતા હમ્માદ અબ્બાસભાઈ વ્હોરા અને રૂકૈયા બેનની બે વર્ષની દીકરી અમાયરા હમ્માદ વ્હોરાએ પોતાની અસાધારણ પ્રતિભાથી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારથી માન્યતા પ્રાપ્ત અને એશિયન બુક ઓફ રેકોર્ડ્સ સાથે સંલગ્ન ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ૨૩ મહિનાની (લગભગ બે વર્ષની) બાળ પ્રતિભા કેટેગરીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે સ્થાન મેળવી અમાયરાએ ગોલ્ડ મેડલ તથા સર્ટિફિકેટ સાથે એચીવર એવોર્ડ મેળવ્યો છે
નાની ઉંમરે જ અમાયરા વ્હોરામાં અસાધારણ સ્મરણશક્તિ અને બોલવાની ક્ષમતા જોવા મળે છે. તે અંગ્રેજી આલ્ફાબેટના તમામ અક્ષરો ઉદાહરણ સાથે સ્પષ્ટ રીતે બોલી શકે છે. ઉપરાંત ફળો, રંગો અને શાકભાજીના નામ ઓળખી-બોલી શકે છે તેમજ ગુજરાતી બાળગીતો અને કવિતાઓ આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે. આ તમામ વિશેષ ક્ષમતાઓને આધારે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તેને આ અનોખું સન્માન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમાયરાના માતા-પિતા બંને શારીરિક દિવ્યાંગતા ધરાવે છે. પિતા હમ્માદ વ્હોરા દ્રષ્ટિબાધિત હોવા છતાં ટેકનિશિયન તરીકે વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે, જ્યારે માતા રૂકૈયા બાનું માઈક્રોબાયોલોજીમાં બી.એસ.સી. તથા ડિપ્લોમા ધરાવી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના લેબોરેટરી વિભાગમાં સેવારત છે. માતા-પિતાના સંઘર્ષ, સમર્પણ અને સંસ્કાર વચ્ચે ઉછરેલી અમાયરાની આ સિદ્ધિ સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

oppo_0
અમાયરાની આ ભવ્ય સિદ્ધિ બદલ વિજાપુર-મોડાસા પટણી સુન્ની વ્હોરા સમાજ સહિત સમગ્ર ગુજરાતમાંથી પરિવારને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ સિદ્ધિ એ સંદેશ આપે છે કે પ્રતિભા કોઈ ઉંમર, પરિસ્થિતિ કે મર્યાદાની મોહતાજ નથી.

Back to top button
error: Content is protected !!