MEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠે અધિક માસની પૂનમે ભવ્ય આમ્રોત્સવ અને ફૂલોત્સવ યોજાયો

વિજાપુર લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠે અધિક માસની પૂનમે ભવ્ય આમ્રોત્સવ અને ફૂલોત્સવ યોજાયો
400 કિલોથી વધુ કેરીનો અન્નકૂટ, મોગરાના પુષ્પોથી શણગારાયેલી માતાજીના દર્શન કરવા હજારો ભક્તો ઉમટ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ શક્તિપીઠ, લાડોલ ખાતે અધિક માસની પૂનમ નિમિત્તે ભવ્ય આમ્રોત્સવ અને ફૂલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ઉત્સવમાં ઉત્તર ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
મંદિરના યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાનીના જણાવ્યા મુજબ માતાજીને 400 કિલોથી પણ વધુ કેરીનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. કેરીના વિવિધ પ્રસાદી ભોગથી સજાવવામાં આવેલા અન્નકૂટના દર્શન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રસંગે માતા હરસિદ્ધિને મોગરાના સુગંધિત પુષ્પોથી તૈયાર કરાયેલી ચણિયાચોળી ધારણ કરાવવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહ સહિત સમગ્ર પરિસરને મોગરાના પુષ્પોથી શણગારવામાં આવતા ચોતરફ સુગંધ પ્રસરી ગઈ હતી અને ભક્તોમાં વિશેષ આનંદ અને આસ્થાનો માહોલ સર્જાયો હતો.
અધિક માસની પૂનમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા મંદિર ખાતે લાંબી કતારો જોવા મળી હતી. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હરસિદ્ધિ હોલમાં હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ રૂપે ભોજનનો લાભ લીધો હતો.
ભક્તોની અભૂતપૂર્વ ભીડને કારણે મંદિરનું પાર્કિંગ સ્થળ વાહનોથી સંપૂર્ણ ભરાઈ ગયું હતું. જેના કારણે અનેક ભક્તોએ પોતાના વાહનો ગામના માર્ગો અને ખુલ્લી જગ્યાઓમાં પાર્ક કરી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવી કાર્યકરો અને ટ્રસ્ટીઓએ સુચારૂ વ્યવસ્થા જાળવી રાખી હતી.
અધિક માસની પૂનમ નિમિત્તે યોજાયેલા આ ભવ્ય આમ્રોત્સવ અને ફૂલોત્સવે ભક્તોમાં અનોખી ધાર્મિક ભાવના અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!